સારો વરસાદ પડતાં હાઈવે અને નાના-મોટા ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે અને વરસાદના કારણે રસ્તાઓની બન્ને બાજુ ગાંડા બાવળોએ ડેરો જમાવતાં મુશ્કેલીમાં વધારો થયો છે. ભુજ-ભચાઉ વાયા દુધઈ સ્ટેટ હાઈવે સારા વરસાદના કારણે ધોવાઈ ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓમાં ખાડા જોવા મળે છે. હાલ શ્રાદ્ધ પક્ષમાં માતાના મઢના પદયાત્રીઓની પણ ભચાઉ-ભુજ વાયા દુધઈ હાઈવે પર સારી ટ્રાફિક રહે છે માટે તંત્ર દ્વારા જો રસ્તાની સાઈડોમાં જે બાવળ ઊગી નીકળ્યા છે તેનું નિકંદન કરવાની જરૂર છે, જેથી પદયાત્રીઓને ચાલવામાં તકલીફ ન પડે. દુધઈથી કોટડા વચ્ચે રસ્તાની બાજુમાં હાઈવે પર ખાતરના ઢગલા જોવા મળે છે. નવાગામ પુલને કોની નજર લાગી છે તે સમજાતું નથી. વારંવાર નવાગામનો પુલ બિસમાર બની જાય છે. અત્યારે આ બન્ને બાજુથી રસ્તાઓ ઉપર આડશ મૂકી દેવામાં આવ્યા છે. બાજુમાં નાના પુલ પરથી વાહનની અવર-જવર થાય છે, જ્યારે પદયાત્રીઓ ક્યા રસ્તેથી ચાલશે તે સમજાતું નથી. માટે હાલ નવરાત્રિ મહોત્સવ શરૂ થતાં પહેલાં ગુજરાત-કચ્છથી પગપાળા જતાં પદયાત્રીઓને આ રસ્તાઓ ઉપર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેથી માર્ગ-મકાન વિભાગ, વનતંત્ર દ્વારા આ રસ્તાઓનું નિરાકરણ થાય તેવું હાઈવે પર આવતા ગામોના લોકો કહી રહ્યા છે.