વિશ્વાસથી વિકાસયાત્રા"-બારડોલી, ધારાસભ્યશ્રીના હસ્તે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત સમારોહમાં રૂ.૭૮ લાખના ૨૬ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૨.૮૩ કરોડના ૩૨ કામોનું ખાતમુહૂર્ત થયું
છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજનસુધી પહોચાડવા માટે રાજ્યમાં બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’નો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે પ્રાંત કક્ષાની ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ યોજાઈ હતી. ધારાસભ્યશ્રીના હસ્તે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત સમારોહમાં રૂ.૭૮ લાખના ૨૬ કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૨.૮૩ કરોડના ૩૨ કામોનું ખાતમુહૂર્ત થયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પારદર્શિતા સાથે પહોચી રહ્યા છે. જરૂરિયાતમંદોને વિવિધ કલ્યાણકારી યોજનાકીય લાભો આપીને સુદ્રઢ જીવનવ્યાપનની અસરકારક વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે. વિકાસના કામોની ગતિ અટકતી નથી, કારણ કે રાજ્યમાં દર કલાકે વિકાસના કામો થઈ રહ્યા છે, જેનાથી ગુજરાતના ઉદ્યોગ, ખેતી, પશુપાલન સહિતના ક્ષેત્રો પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યા છે.
શ્રી પરમારે વધુમાં કહ્યું કે, આયુષ્યમાન ભારત કાર્ડથી ગંભીર રોગોમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકાય છે. આ સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે ૫૪ જેટલી યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવે છે એમ જણાવી રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.
વધુમાં ધારાસભ્યશ્રીએ કહ્યું કે, દરેક ગામ હોય કે શહેર; વિકાસની સમાન તકો પ્રત્યેક વિસ્તારોમાં ઉપલબ્ધ થઈ રહી છે. તેમણે દરેક ગામોના વિકાસ માટે મહત્વની ભૂમિકા અદા કરતા સરપંચો અને તલાટીઓને જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ અને ગ્રામજનોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા અને વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બારડોલી પ્રાંત અધિકારીશ્રી સ્મિત લોઢા, બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અંકિતભાઈ રાઠોડ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ફાલ્ગુનીબેન દેસાઈ, પ્રશાસનિક અધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.