12 સપ્ટેમ્બરના રોજ ઈપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ, ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક પંકજભાઈની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો.

 કુલ 3.2 કરોડના ખર્ચે તૈયાર થયેલ 192 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં નડિયાદ ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે 37 લોકાર્પણ અને 59 ખાતમુહૂર્ત, વસો ખાતે રૂ. 0.254 કરોડના ખર્ચે 29 લોકાર્પણ અને 19 ખાતમુહૂર્ત અને મહુધા ખાતે 0.264 કરોડના ખર્ચે 14 લોકાર્પણ અને 34 ખાતમુહૂર્તના કરવામાં આવ્યું. 

 લોકશાહીમાં સરકાર અને જનતાના સહસંબંધની વાત કરતા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં તમામ ક્ષેત્રે થયેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યો માટે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ અને તેના પરિણામે ઉભો થયેલો જનવિશ્વાસ ચાવીરૂપ છે. સમાજ જીવનમાં આવેલું પરિવર્તન, જનતાનો અનુભવ, અને અપેક્ષાઓમાં થયેલી વૃદ્ધિને પહોંચી વળવામાં સરકાર સતત સફળ રહી છે.

 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં રહેલા તફાવતની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારની પ્રોએક્ટિવ નીતીને કારણે રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણના પ્રશ્નોનું સુચારુ નિરાકરણ આવતું રહ્યું છે. આ બાબતે તેમણે રેલ ટ્રેક માટેના ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું ઉદાહરણ આપ્યું હતું. દેવુસિંહ ચૌહાણે વધુમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ, પાણી, રોડ, રસ્તામાં આવેલ માળખાકીય પરિવર્તન માટે રાજ્ય સરકારના જન સેવા અભિગમને બિરદાવ્યો હતો. 

 મહાત્મા ગાંધીજીના સર્વોદય ગામનાં મોડેલની ઝાંખી આપતા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ગામડાઓ વધુ સુવિધાસભર અને રમણીય બન્યા છે. રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે મક્કમ અને ત્વરિત નિર્ણય લેવા માટે જાણીતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેવાડાના માનવીની સતત ચિંતા કરી છે અને જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી જીવન ધોરણ ઊંચું લાવવા સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે. 

 મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાની સાથે સમાજના તમામ વર્ગ, વયજૂથ તથા તમામ સ્તરના લોકોની સુખાકારીની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે.