ભુજ : પશ્ચિમ કચ્છમાં ખનીજ માફીયાઓ ધીમે ધીમે માથુ ઉચકી રહ્યા છે ત્યારે ગેરપ્રવૃતી નાબુદ કરવા માટે પોલીસ વિભાગ પણ સક્રીય છે. ખાણ ખનીજ વિભાગને કોઈ આંગળી ચીંધે તો કાર્યવાહી કરે છે. ત્યારે ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં એસ.પી. સૂચનાથી ગઢશીશા પોલીસે માંડવી-નલીયા માર્ગ પર દેઢીયા પાસે બોકસાઈટ પરીવહન કરી જતી બે ગાડીઓને પકડી ડિટેઈન કરી હતી.ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો મુજબ માંડવી – નલીયા માર્ગ પર દેઢીયા પાસે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ગેરકાયદેસર બોકસાઈટ લઈને જતી બે ટ્રક પકડાઈ હતી. પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સીંઘની સૂચનાથી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં દેઢીયા પાસેથી બંને ટ્રક પકડી પડાઈ હતીે. જીજે ૧ર બીવાય ૬૦૭૬ નંબરની ટ્રકના ચાલક હરેશભાઈ ડાયાભાઈ પરમાર (રહે. સોનગઢ, રાપર)વાળા પાસેથી ખનીજ પરીવહન અંગે કોઈ આધાર-પુરાવા ન મળતા ગાડી ડિટેઈન કરાઈ હતી, જયારે જીજે ૧ર બીવાય ૯૮૪૪ નંબરની ટ્રકમાં પણ ગેરકાયદેસર બોકસાઈટનો જથ્થો ભર્યો હોવાથી ડ્રાઈવર શાહરુખ આમદ સોઢા (રહે. તલારી, રાપર)વાળા પાસેથી કોઈ આધાર-પુરાવા ન હતા. બંને ટ્રકમાં ૩૬-૩૬ ટન જથ્થો હોવાની બંને ટ્રક ડિટેઈન કરાઈ હતી. આર.ટી.ઓ.ના રજીસ્ટ્રેશનમાં બંને વાહન લતીફ ઈસ્માઈલ પણકાના નામે નોંધાયેલી છે. તપાસનીશ પીએસઆઈ બી. જે. ભટ્ટ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમણે ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોડની ટુકડીએ દહીસરા પાસેથી ચારેક ગાડીઓ બોકસાઈટ પરીવહન કરતી પકડી પાડી હતી જે જથ્થો પુનડીની ખુલ્લી જમીનમાં ઢગલામાંથી ભરાઈ હોવાની કેફીયત ડ્રાઈવરોએ આપી હતી. આ જથ્થો મુન્દ્રા પંથકના એક શખ્સના કહેવાથી ગાડી ભરી હતી અને રસ્તામાં રોયલ્ટી મળી જશે તેમ કહી ગાડીઓ પરીવહન કરાઈ હતી. જોકે, આ કિસ્સામાં આગળની તજવીજ હજુ ચાલું છે.

માધાપરના શખ્સે આ ગાડીઓ ભરાવી હતી 
માંડવી પંથકના કોઈ ગામમાંથી આ બોકસાઈટની ગાડીઓ ભરવામાં આવી હતી. મુળ રાપરના અને થોડા સમયથી માધાપર ખાતે રહેતા શખસે આ ગાડીઓ ભરાવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ખનીજ ચોરો સામે ધાક બેસાડતી કાર્યવાહીની જરૂર 
કચ્છમાં અવાર-નવાર પ્રતિબંધિત બોક્સાઈટની ગેરકાયદેસર ખન્ન પ્રવૃત્તિ સામે આવે છે. તંત્ર દ્વારા વાહન ડિટેઈન અને દંડની કાર્યવાહી કરાય છે. અમુક કિસ્સામાં ફોજદારી અને લાખોના દંડ માત્ર કાગળ પર જ રહે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખનીજ ચોરો સામે કોઈ ધાક બેસાડતી કાર્યવાહી કરાતી ન હોવાને કારણે માથુ ઉચકી રહ્યા છે.