બે ભાઇ ઉપર જીવલેણ હુમલો કરનાર પાંચ આરોપી પૈકી બેના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા હતા

જેતપુરના વાડાસડા ગામે પાંચ શખ્સો દ્વારા બે પિતરાઈ ભાઈઓ ઉપર તલવાર અને લાકડીઓ વડે હુમલો કરી મરણોતલ ઇજા પહોંચાડવાનો કેઇસ કોર્ટમાં ચાલી જતા પાંચ આરોપીમાંથી બે મરણ ગયેલ હોય બાકીના ત્રણને એડિશનલ જજે આજીવન કેદ અને એકવીસ હજાર રૂૂપિયા દંડની સજા ફટકારવા જેવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

વાડાસડા ગામે રહેતા પંકજભાઈ પોપટભાઈ આહીર પોતાના પિતરાઈ ભાઈ મેહુલ સાથે પોતાની વાડીએથી પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ગોવિંદભાઇ કાનજીભાઈ ચૌહાણ હેમંતભાઈ ઉર્ફે ખોડાભાઈ કાનજીભાઈ ચૌહાણ, કુમારસંગ ઉર્ફે જીંડો રાયસંગભાઈ ચૌહાણ, ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઇ ચૌહાણ અને મંગળુભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈ જોરસંગભાઈ ચૌહાણે એકસંપ કરી તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલભાઈને ગંભીર ઇજા પહોંચતા પંકજભાઇએ ગત તા. 10-8-14ના રોજ તાલુકા પોલીસ સ્ટેશન ઉપરોક્ત પાંચેય શખ્સો સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે જાનથી મારી નાંખવાની કોશિષ અને રાયોટીંગ હેઠળ આઈપીસી 323, 325, 307, 147,148 149 હેઠળ ફરીયાદ નોંધી હતી.

આઠ વર્ષ બનેલ બનાવમાં હાલ આરોપી જામીન હેઠળ હોય જેમાં ગોવિંદભાઇ અને હેમંતભાઈ ઉર્ફે ખોડાભાઇ મરણ ગયેલ હોય બાકીના ત્રણ આરોપી પર એડિશનલ કોર્ટમાં કેઇસ ચાલતા જજ આર. આર. ચૌધરીએ 18 સાહેદોની જુબાની અને દસ્તાવેજી પુરાવાના આધારે કુમારસંગભાઈ, ભરતભાઈ ઉર્ફે મુન્નાભાઈ અને મંગળુભાઈ ઉર્ફે મહેન્દ્રભાઈને સખત આજીવન કેદ અને એકવીસ હજારના દંડની સજા ફટકારી હતી. જ્યારે હુમલામાં ગંભીર રીતે ઘાયલ મેહુલભાઈ ડિસ્ટ્રીકટ ઓથોરીટી વળતર ચૂકવે તેવો હુકમ કર્યો હતો.