નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કચ્છમાં સેવાકાર્યોની સરવાણી સાથે કરાશે ઉજવણી

૧૭મીએ સવાયા કચ્છી વડાપ્રધાન

ફુડ પેકેટ વિતરણ, બાળકોને રમકડા, મીઠાઈ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનો ઘડાતો તખ્તો : કેશુભાઈ પટેલ (પ્રમુખશ્રી, કચ્છ જિલ્લા ભાજપ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિવસ નિમિત્તે સળંગ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરશે : સરકાર, સંગઠન અને સ્વૈચ્છીક સંસ્થાઓના સથવારે સમાજલક્ષી પ્રવૃતિઓના આયોજનો મારફતે નાગરિકો વચ્ચે જશે : ૧૭મી સપ્ટેમ્બરે મોદીનો જન્મદિવસના એક દિવસ પહેલા અને એક દિવસ પછી એમ ત્રણ દિવસ કાર્યક્રમોને આકાર આપવા ભાજપે તૈયારીઓ આદરી

ભુજ સવાયા કચ્છી અને ગુજરાતના ગૌરવ એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨મા જન્મદિવસ નિમિત્તે રાજયમાં ભાજપ સળંગ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરશે. સરકાર, સંગઠન અને સ્વૈચ્છીક સંસ્થાઓના સથવારે સમાજલક્ષી પ્રવૃતિઓના આયોજનો મારફતે નાગરિકો વચ્ચે જશે. ૧૭મી સપ્ટેમ્બરે મોદીનો જન્મદિવસના એક દિવસ પહેલ અને એક દિવસ પછી એમ ત્રણ દિવસ રાજ્યભરમાં કાર્યક્રમોને આકાર આપવા ભાજપે તૈયારીઓ આદરી છે, ત્યારે કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પણ પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાકાર્યોની સરવાણી સાથે ઉજવવા વ્યાયામ શરૂ કરવામાં આવ્યો છે.આ અંગેની વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કચ્છ પ્રેમ જગજાહેર છે. તેઓ દેશ દુનિયાના કોઈપણ ખુણે હોય ત્યારે આ સરહદી જિલ્લા અને કચ્છીમાડુઓને યાદ કરવાનું ચુકતા નથી. હાલમાં જ પીએમશ્રી મોદીએ જિલ્લા મથક ભુજમાં રોડ શો યોજી લાખોની જનમેદનીને સંબોધન કર્યું હતું. કચ્છને હજારો કરોડોના વિકાસકામોની પણ ભેટ આપી હતી. પીએમશ્રીની આ મુલાકાત દરમ્યાન કચ્છીલોકોનો અનહદ પ્રેમ નિહાળી મોદીજી ગદગદીત થઈ ગયા હતા. આગામી ૧૭મી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે મોદીજીના જન્મદિવસની ભારત સહિત અન્ય દેશોમાં પણ જયાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે ત્યાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મોદીજીના માનીતા એવા કચ્છ જિલ્લામાં પણ વિવિધ સેવાકાર્યો સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે જિલ્લા ભાજપ સંગઠન તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા તૈયારીઓ આરંભાઈ છે.આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, મોદીજીના જન્મદિવસની ઉજવણી માટે જિલ્લા ભાજપ સંગઠન સહિત તમામ કચ્છવાસીઓ થનગની રહ્યા છે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રને અનુસરી મોદીજી સમાજના છેવાડાના લોકો સુધી વિકાસના ફળ પહોંચે તે માટે દિવસ – રાત કાર્ય કરી રહ્યા છે. હાલમાં જ વડાપ્રધાન મોદીજીએ કચ્છ જિલ્લાને હજારો કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. મોદીજીના જન્મ દિવસ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમો યોજાવાના છે ત્યારે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સથવારે સમાજલક્ષી પ્રવૃતિઓના આયોજનો મારફતે નાગરિકો વચ્ચે જઈ જરૂરીયાત મંદોને ફુડ પેકેટનું વિતરણ, નાના ભૂલકાઓને મીઠાઈ, રમકડા વિતરણ કરવામાં આવશે. જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો પણ યોજવા માટે તખ્તો ઘડાઈ રહ્યો છે.