દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીને કારણે કોંગ્રેસ દ્વારા આજે આક્રમક રીતે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યક્રરો ગુજરાતના શહેરોમાં દુકાનો, મોલ, ઓફિસ બંધ કરાવા નીકળી ગયા હતા. ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા હતા. જો કે ગુજરાતના અમુક વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા લોકોને બળજબરી પૂર્વક દુકાનો બંધ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પણ ગુજરાત કોંગ્રેસ દ્વારા બંધનું એલાન કરવા જતા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો તો અમાવાદ અને રાજકોટમાં NSUIના કાર્યકર્તા દ્વારા શાળા કોલેજ બંધ કરાવી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદ બગસરા હાઇવે પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા AMTS બસને રોકી હતી અને ચક્કાજામ કર્યો હતો.
કોંગ્રેસના બંધના એલાન પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસને 5 વર્ષમાં મોકો જ નથી આપ્યો. આજે કોંગ્રેસ અસ્તિત્વ બચાવા માટે લડી રહી છે. કોંગ્રેસના આક્રમક બંધના એલાનમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ક્યાક લોકોએ સ્વભયું બંધ પાળ્યું છે તો ક્યાંય દુકાનો તેમજ મોલ અને ઓફિસ ખુલ્લી છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દુકાનોને ફરજીયાત બંધ કરાવી હતી.