કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી દ્વારા સણોસરા ખાતે ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ બાબતે એક દિવસીય પરિસંવાદ યોજાયો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ, સણોસરા ખાતે આજની ખેતીની પરિસ્થિતિને અનુરૂપ વિવિધ ખાતરોની સામાન્ય માહિતી, તેમના વપરાશમાં રાખવાની સામાન્ય કાળજીઓ તેમજ તેના કાર્યક્ષમ ઉપયોગ માટે થયેલ વૈજ્ઞાનિક ભલામણો જેવાં વિષયો પર જિલ્લાના ખાતર વિક્રેતાઓ માટે એક પરિસંવાદ યોજાયો હતો.જેમાં ૬૫ જેટલાં વિક્રેતાઓએ ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી નિગમ શુક્લએ લોકોને આવકાર આપી આજના સમયે ખેતીના પ્રશ્નો અને તેના પર્યાવરણ સાથેના તાદાત્મ્ય બાબતે લોકોને સંવેદનશીલતા સાધવા હાકલ કરી હતી. પરિસંવાદમાં વિક્રેતાઓને સંબોધતા આત્મા પ્રોજેકટના નિયામકશ્રી જે.એન. પરમારે પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતોને અનુસરીને ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરી ખેડૂતોને નૈસર્ગિક સ્ત્રોત ઉપર વળવા ભાર આપ્યો હતો. નાયબ ખેતી નિયામક(ગુ.ની.) શ્રી એસ. બી. વાઘમશીએ ગુણવત્તાયુક્ત વિશ્વાસપાત્ર ઉત્પાદનો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા અને રાસાયણિક ખાતરોના અતિરેકથી જમીનની ફળદ્રુપતા ઉપર થતી આડઅસરોને ટાળવા જૈવિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા વિક્રેતાઓને પ્રોત્સાહિત કર્યાં હતાં. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ. એમ. પટેલે સરકારી સહાય યોજનાઓની માહિતી આપી ખેડૂતોને તેની સાથે સાંકડી જિલ્લાના ખેડૂત સમુદાયને મદદરૂપ થવા વિક્રેતાઓને આહવાન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કાર્યક્રમને સંબોધિત કરતાં લોકભારતી સંસ્થાના નિયામકશ્રી હસમુખભાઇ દેવમુરારીએ સમાજને હંમેશા મદદરૂપ થવાની સંસ્થાની કટિબધ્ધતા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, સમય સંજોગોને અનુરૂપ સંસ્થાએ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી નવા સંશોધનો અને રચનાત્મક અભિગમોના પ્રચાર માટે અનેક કાર્યો કરેલ છે. આજે ખેતી હવામાન અને જમીનની ફળદ્રુપતા ખેડૂત સમૂદાયની સાથે - સાથે સમગ્ર વિશ્વ માટે પણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ બબતો માટે જનજાગૃતિ માટે પ્રયત્નશીલ છે.આ કાર્યક્રમ તેનો જ એક ભાગ છે. કાર્યક્રમના અંતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરા ખાતે "સંકલિત પોષણ વ્યવસ્થાપન' વિષય પર ૧૫ દિવસીય તાલીમ પૂર્ણ કરનાર ખાતર વિક્રેતાઓને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી જગદીશભાઇ કંટારિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કૃષિ ઈજનેર શ્રી પ્રદીપભાઈ કયાડાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર પ્રગટ કર્યો હતો.