આ દુનિયામાં એવા પણ લોકો છે જે બીજા માટે જીવે છે લોકોની સેવા કરી માનવતા મહેકાવતા રહે છે આવાજ એક સેવાભાવી 84 વર્ષના બહેન નર્મદાબેન પટેલ કે જેઓ વડોદરા શહેરના આર.વી. દેસાઈ રોડ પર રહે છે અને છેલ્લા 35 વર્ષથી રામભરોસે અન્નક્ષેત્ર ચલાવે છે અને જરૂરિયાતમંદોને મફત જમવાનું પૂરું પાડે છે.

 84 વર્ષની જૈફ વય હોવાછતાં નર્મદા બેન રોજ સવારે 4 વાગ્યે ઉઠી જાય છે અને રોજના 250થી 300 લોકોનું ભોજન તૈયાર કરે છે અને વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા અને હોસ્પિટલના દર્દીઓ તેમજ સાથે આવેલા સગાઓને ભોજન પૂરું પાડે છે.

નર્મદાબેન પટેલ હવે 84 વર્ષના થયા છે તેઓ જે પૂછે તે બધાને કહે છે મારા પતિ અંબાલાલ પટેલ સાથે મળીને આ સેવા શરૂ કરી હતી પતિ ગુજરી ગયા પછી પણ મેં આ સેવા ચાલુ રાખી છે. તેઓ જણાવે છે કે મારા પતિનું મૃત્યુ થયું તે દિવસે પણ મેં પહેલા જરૂરીયાતમંદ લોકોને જમાડ્યા હતા અને ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કર્યાં હતા. 

નર્મદાબેનના પુત્ર ઇન્દ્રવદનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા જ્યારે નિવૃત થયા, ત્યારે તેઓને સમાજમાં કઈક સેવા કરવાની ભાવના થઈ આવી હતી અને આ વિચાર સાથે માતા અને પિતાએ આ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં 10થી 15 લોકોનું ભોજન બનાવી સ્કૂટર ભોજન પહોંચાડતા હતા.

દરમિયાન 35 વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થઇ ગયું પણ મારા માતાએ આ સેવા ચાલુ રાખી છે. આજે મારી માતાની ઉંમર 84 વર્ષની ઉંમર છે, તેમ છતાં રોજ સવારે 4 વાગ્યે ઉઠીને 250થી 300 લોકોનું ભોજન જાતે જ બનાવે છે અને જરૂરીયાતમંદોને પ્રેમથી ખવડાવે છે. ભગવાન એમને આ કાર્ય કરવાની શક્તિ આપે છે. મારી માતાએ 8 જેટલા ગામો દત્તક લીધા છે અને તે ગામોમાં અન્ન, શિક્ષણ સેવા અને કપડા સહિતની સેવાઓ પહોંચાડવાનું સેવા કાર્ય પણ ચાલુ છે.

આમ,આ ઉંમરે પણ મક્કમ મનોબળથી સેવા ચાલુ રાખનાર નર્મદાબેનને સો સો સલામ છે.