પાવીજેતપુર,તા.૩૦ 

      છોટાઉદેપુર જિલ્લાના મોટી ટેકરી ખાતે આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ત્રણ શિક્ષકો અનિયમિત રહેતા ગ્રામજનોએ આચાર્યની બદલી નહીં થાય અને બે શિક્ષકો સામે પગલાં નહીં ભરાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

  પ્રાપ્ત માહિતી અનુસાર કવાંટ તાલુકો ગુજરાત રાજ્યનો સૌથી પછાત તાલુકો ગણવામાં આવે છે. આ તાલુકામાં ધીરે ધીરે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે કમાટ તાલુકાના મોટી ટોકરી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને બે વર્ગ શિક્ષકો છેલ્લા ચાર વર્ષ જેટલા સમયથી અનિયમિત રહે છે જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.

   ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળાના આચાર્ય દિવસમાં માંડ એકાદ કલાક જ શાળામાં આવ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે બે વર્ગ શિક્ષકો એક દિવસ એક શિક્ષક અને બીજા દિવસે બીજા શિક્ષક આમ વારાફરતી આવી રહ્યા છે જેને લઇને શાળાના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. 

  આ અંગે શિક્ષણ પ્રત્યે સભાન એવા ગ્રામજનો દ્વારા એક મહિના પહેલા મામલતદાર, ટીડીઓ, ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડીડીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું જેને લઇને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

    શિક્ષકો અનિયમિત રહેતા ગ્રામજનો પણ આકરા પાણીએ આવી ગયા છે અને આગામી ગુરૂવાર સુધીમાં આચાર્યની બદલી અને અન્ય બે શિક્ષકો સામે પગલા નહીં ભરાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.