દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ.બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી આસામના ગુવાહાટી ખાતે સ્કોબા પ્રાઈડ એવોર્ડ-૨૦૨૨ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોર્થ ઈસ્ટ રીજીયનના આરબીઆઈ બેંકના ડિરેક્ટર સંજીવ સિંઘાની ઉપસ્થિતિમાં અલગ-અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 

જેમાં વરાછા કો-ઓપરેટીવ બેંકને તેમની કામગીરી અને ગ્રોથને ધ્યાનમાં રાખી ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વરાછા બેંકે વર્ષ ૨૦૨૧-૨૨માં ધિરાણમાં ૧૮ ટકા અને થાપણમાં ૧૭ ટકાનો ગ્રોથ કર્યો છે, જેના માટે ‘ટોટલ બિઝનેસ ગ્રોથ અને એકસ્પાન્સન' નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ' અને 'ફાઈનાન્સીયલ સ્ટેબિલીટી' ની કામગીરીને ધ્યાને રાખી વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં વરાછા બેંકને એવોર્ડ એનાયત કરાયા છે.

બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, બીઓએમ ચેરમેન કાનજીભાઈ ભાલાળા, વાઈસ ચેરમેન પ્રભુદાસ પટેલ, ડિરે. જે.કે.પટેલ, કાંતિભાઈ મારકણા, રાજુભાઈ બાંભરોલીયા તથા મહિલા ડિરે. વિમળાબેન વાઘાણી તથા શારદાબેન લાઠીયા આ એવોર્ડ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યા હતા. સ્કોબાના ચેરમેન મુકેશભાઈ ગજ્જર તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીના હસ્તે દક્ષિણ ગુજરાતની બેંકોને ઍવોર્ડ એનાયત થયા હતા.