રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના ઉદ્દેશને સાર્થક કરતી સરહદી ક્ષેત્રના કૃષકોની પ્રેરણાદાયી પહેલ..
સૂઇગામ ખાતે ફાર્મર પ્રોડ્યુંસર કંપની હેઠળ જોડાયેલ 300 થી વધુ ખેડૂતો દ્વારા સંચાલિત ગ્રામહાટનું લોકાર્પણ કરાયું..
જિલ્લામાં 96 ક્લસ્ટર ગ્રામ પંચાયતમાં 554 તાલીમ અંતર્ગત 16257 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી..
ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સીમાવર્તી ગામોની મુલાકાત અભિયાન અંતર્ગત તા. 30 અને 31 મે એમ બે દિવસ બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના પાડણ, ભરડવા, સૂઇગામ, બોરૂ, મસાલી અને માધપુરા ગામોની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય મુલાકાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત કૃષિનું વિગતવાર માર્ગદર્શન આપી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.
તા. 31 મે ના રોજ રાજ્યપાલશ્રીની સીમાવર્તી ગામોની મુલાકાતના શુભ પ્રસંગે સૂઇગામ ખાતે 300થી વધુ ખેડૂતો દ્વારા ખોલવામાં આવેલ ગ્રામહાટનું આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેડૂતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગ્રામહાટના ઉદઘાટનથી રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ મળશે તેમજ સરહદી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારીત ખેતી માટે ખેડૂતોને નવું પ્રેરકબળ પૂરું પાડશે.
સૂઈગામ ખાતે ટી.વી.એસ. બનાસકાંઠા એસ.પી.એન.એફ. ફાર્મર પ્રોડ્યુંસર કંપની દ્વારા થરાદ વાવ અને સૂઇગામ તાલુકાના 300 થી વધુ ખેડૂતોની કંપની દ્વારા ગ્રામહાટ ખોલવામાં આવેલ છે. જેમાં ઝેરમુક્ત- પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવનાર છે. આ ફાર્મર પ્રોડ્યુંસર કંપનીના અંદાજિત 300 થી વધુ ખેડૂતો તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો તેમના ઉપજનું વેચાણ આ ગ્રામહાટ થકી કરશે અને ખેડૂતો તેમના ઉપજના વધુ ભાવ મેળવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિના ઝીરો બજેટ ખેતીના રસાયણમુક્ત-જંતુનાશક મુક્ત ઉત્પાદનોના આહવાનને વેગ આપવામાં આપશે.
રાજ્યપાલશ્રી દ્વારા 10 ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બનાવી TMT અને FMT દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા જણાવાયું છે ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 96 ક્લસ્ટર ગ્રામ પંચાયતમાં 554 તાલીમોનું આયોજન કરી 16,257 થી વધુ ખેડૂતો પ્રકૃતિ આધારીત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગ્રામહાટ બનાવી ખેડૂતોને તેમના ઉત્પાદનોનું સ્થાનિક સ્તરે વેચાણ કરી શકાય એ માટે ગ્રામહાટ ટોકન દરે આપવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો લાભ લઇ રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેની પહેલ કરી રહ્યા છે તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ. જે. જિંદાલે જણાવ્યું છે...