કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લઈ વહીવટી તંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામની પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. જેમા 9 ગામોના લાભાર્થીઓએ આ વિવિધ 56 જેટલી યોજનાઓનો સ્થળ પર લાભ લીધો.
આ કાર્યક્રમમાં અકલચા ગામના રહેવાસીઓએ સરકારી સેવાઓ અંગેની કામગીરીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મુલાકાત કરી તાલુકા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી ઉત્સાહ વધાર્યો.
લોકોમાં જનજાગૃતિ ફેલાય અને વધુ મતદાન થાય તે માટે EVM-VVPT નિદર્શન કેમ્પ યોજાયો . જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વયં EVM નિદર્શનનો લાભ લીધો
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રેશનકાર્ડ, મતદાર યાદી, આધારકાર્ડ, લગ્ન, જન્મ-મરણનું પ્રમાણપત્ર, જાતિ અને આવકના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના, વગેરે યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓ સ્થળ પર આવી તેમની સમસ્યાઓનો સંતોષપૂર્વક નિકાલ કર્યો હતો.
છેવાડાનો એક પણ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તે હેતુથી સ્થળ પર જ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના મામલતદાર સંગ્રામસિંહ, તાલુકા વિકાસ અધિકારી પારસભાઈ, ગામ સરપંચ , તલાટી, વિવિધ કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.