જામનગર: ભારત સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ બાલાચડી સૈનિક સ્કૂલના કેડેટ્સ દ્વારા જામનગર ખાતે તિરંગા રેલીનું આયોજન કરી લોકોને તિરંગો લહેરાવવા અપીલ કરી હતી.
જામનગર પાસે વર્ષો જૂની બાલાછડી સ્કૂલ સૈનિક જે બાળકોને સચોટ તાલીમ, શિક્ષણ, દેશભક્તિ અને દેશના કાજ માટે સમર્પણ રહેવા માટે ઘડવા સજ્જ છે. સૈનિક સ્કૂલ, બાલાચડી દ્વારા તિરંગા જાગૃતિ રેલીનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીત રોડથી લાખોટા તળાવ સુધી ભારત સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવા અને ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ત્રિરંગો ઘરે લાવો અને તેને ફરકાવો અને તેમને પ્રોત્સાહિત કરવા 'તિરંગા જાગૃતિ રેલી યોજી લોકોને ગર્વભેર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી. આ રેલીમાં ભારતની આન બાન અને શાન ગણાતા રાષ્ટ્રધ્વજને લહેરાવતા દેશભક્તિના નારા લગાવતા 60 કેડેટ્સ અને શાળાના ચાર શિક્ષકોએ આશરે 8 કિલોમીટરનું અંતર કાપી રેલીની પુર્ણાહુતી કરી હતી.
એનસીસી કેડેટ્સે રાષ્ટ્રીય ધ્વજ અને એનસીસી ધ્વજ વહન કર્યો હતો અને અન્ય કેડેટ્સ દ્વારા નાના રાષ્ટ્રધ્વજ સાથે રેલીના રૂટમાં આવતા લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. રાષ્ટ્રધ્વજને સન્માનિત કરવાની તેમની પહેલમાં દર્શકો દ્વારા કેડેટ્સને ઉત્સાહિત કરવામાં આવી હતી અને રેલીને જબરદસ્ત સફળતા મળી હતી અને લોકોએ તેમની આ પહેલને વધાવી હતી.
મારો રાષ્ટ્રધ્વજ મારી આન છે મારા દેશની શાન છે અને તેના માટે મને હંમેશા માન છે એ ભારત દેશના કોઈ પણ વ્યક્તિએ ન ભૂલવું જોઈએ. ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો જો દેશ માટે આવા સન્માનની ખેવના ધરાવતા હોય તો તેનાથી વધુ ગર્વની વાત આપણા માટે બીજી શુ હોઈ શકે.