અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ના દરોડામાં મોટો ખુલાસો થયો છે. FBI એજન્ટોને અન્ય દેશોની સૈન્ય અને પરમાણુ ક્ષમતાઓ સંબંધિત દસ્તાવેજો મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, FBI એજન્ટોને અહીંથી અમેરિકાના ટોપ સિક્રેટ ઓપરેશન્સ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા છે. વરિષ્ઠ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને પણ આ દસ્તાવેજો વિશે જાણ ન હતી. ફક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના કેટલાક નજીકના મિત્રો જ આ સ્પેશ્યિલ-એક્સેસ પ્રોગ્રામ વિશે જાણતા હતા. તેમને સંપૂર્ણ સલામતી સાથે બંધ દરવાજા પાછળ રાખવામાં આવતા હતા. અધિકારીઓને તેમના સુધી પહોંચવા માટે વિશેષ મંજૂરી પણ આપવામાં આવતી હતી. એક સમાચાર અનુસાર માર-એ-લાગો ખાતે એફબીઆઈની રેડ અમેરિકાની સરકારી એજન્સી, અમેરિકાના નેશનલ આર્કાઈવ્ઝ રેકોર્ડની જાળવણીની તપાસ સાથે જોડાયેલો મામલો છે. આ એજન્સી પાસે રાષ્ટ્રપતિ પાસેથી રેકોર્ડ સુરક્ષિત રાખવાની જવાબદારી છે. આરોપ છે કે ગયા વર્ષે જ્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડ્યુ ત્યારે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો લઈ ગયા હતા. આ દસ્તાવેજો અનેક મોટા બોક્સમાં માર-એ-લાગોમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પ અને તેમના નજીકના સહયોગીઓ પર સતત નજર રાખી રહી હતી.