આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખેડામાં વેપારીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈપણ મંત્રી, નેતા, લોકો સાથે સંવાદ કરતા નથી, તેમની તકલીફો સાંભળતા નથી, તેમના સૂચનો સાંભળતા નથી. અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ એક નવી પદ્ધતિ અમલમાં મૂકી છે વેપારીઓ સાથે સંવાદની. વિવિધ જિલ્લાઓમાં જઈને મેં વેપારીઓ સાથે સંવાદ કર્યો તેમાં સૌથી મોટો પ્રશ્ન GST નો આવ્યો.જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં આવેલું કે બધી જગ્યાએ એક જ ટેક્સ રહેશે, અલગ-અલગ ટેક્સની ઝંઝટ થી તમે બચી જશો, પરંતુ હવે લોકોને લાગે છે કે આ GST ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે, લોકો રોડ ઉપર આવી જશે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે.

રોજ GST ના કાયદાની અંદર નવા નવા સુધારા આવ્યા કરે છે, રોજ નવા સંશોધનો આવ્યા કરે છે, તેના કારણે વેપારીઓને સમજાતું નથી કે ધંધો કરવો કે રોજ ક્યાં નવા સુધારા આવ્યા તે ચેક કરવા બેસવું. આપણે ધંધામાં રોકાણ કરેલું હોય, ઉધારીમાં માલ લાગ્યા હોય, બેંકની લોન ચાલતી હોય એ બધા ઉપર ધ્યાન આપવું કે GSTમાં રોજ બદલાતા નવા નિયમો પર ધ્યાન આપવું. આપણું વર્ષનું 25 લાખનું ટર્ન ઓવર હોય અને એમાં પણ કાઉન્સિલિંગનો ખર્ચો, વકીલનો ખર્ચો, GST ના કાગળિયા બનાવવાનો ખર્ચો, એજન્ટનો ખર્ચો કર્યા પછી છેલ્લે કશું વધે નહીં. અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં વેપારી સાથેના સંવાદમાં વચન આપ્યું છે કે, નાના વેપારીઓને GST ઓફિસમાં જ માણસ મળી રહેશે જેથી તેમને ખર્ચો નહીં કરવો પડે. 

વેપારીઓનો બીજો પ્રશ્ન છે કે, વેપારમાં છેતરપિંડી કરવાવાળા લોકો સાથે કશું થતું નથી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, FIR નોંધાવી હોય તેનું પણ કશું થતું નથી. દરેક વેપારમાં કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે આવતા હોય છે તેઓ વેપાર કરવા નહીં પરંતુ લોકોના પૈસા ભેગા કરીને ભાગી જતા હોય છે. આ પ્રશ્ન નું સમાધાન લાવવા માટે અરવિંદ કેજરીવાલજી ને રજૂઆત કરી છે. કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ દેશને આગળ લઈ જવા માટે તેના વેપાર ધંધા સક્ષમ હોય તે જરૂરી છે. સમાજ કે દેશ આગળ વધે, વેપાર થાય તો અર્થતંત્ર મજબૂત બને, અર્થતંત્ર મજબૂત બને તો આપણો દેશ મજબૂત બને, દેશ મજબૂત બને તો આખા વિશ્વમાં આપણા દેશનું વજન વધે.