રાજ્યમાં તલાટીકમ મંત્રી અને પોલીસની પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યા બાદ પડતર માંગણીઓ મુદ્દે રાજ્યના વિવિધ સરકારી કર્મચારી મંડળો દ્વારા આંદોલન શરૂ થયું છે. ત્યારે હવે રાજ્યના વીસીઈ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે અને ગુરૂવારથી બે મુદતી હડતાળનું એલાન કર્યું છે. જો સરકાર વીસીઈની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યમાં આવેલી ગ્રામ પંચાયતોમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા છેલ્લા ઘણા સમયથી ફિક્સ વેતન, વિમા કવચ અને જોબ સિક્યુરીટી સહિતના મુદ્દાઓ ઉપર સરકારમાં રજૂઆતો કરી છે આ ઉપરાંત પડતર માંગણીઓ મુદ્દે અવાર-નવાર મંત્રીઓ સાથે બેઠક કરી છે. તેમજ ધરણા સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પંચાયત વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતા પણ પડતર માંગણીઓ મુદદ્દે કોઈ નિર્ણય લેવામાં નહી આવતા ગત તા. 21-10-2021ના રોજથી બે મુદ્દતી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે પંચાયત મંત્રી સાથે બેઠક યોજી હતી ત્યાર બાદ તા. 27-10 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી તરફથી પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની બાહેધરી અપાતા બે મુદ્દતી હડતાળ મોકુફ રાખવામાં આવી હતી. આજે આઠ મહિના જેટલો લાંબો સમય વિતી ગયા બાદ પણ કોઈ નિર્ણય લેવામાં નહી આવતા આગામી ગુરૂવારથી રાજકોટ જિલ્લાના 570 મળીને રાજ્યના 2500થી વધુ વીસીઈ બે મુદ્દતી હડતાળ ઉપર ઉતરશે.