માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ FMCG ક્ષેત્રે પોતાના કારોબારનો વિસ્તાર કરી રહી છે. તે અંતર્ગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કંપનીએ પ્યોર ડ્રિંક ગ્રુપ (Pure Drink Group) પાસેથી તેની 2 સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ કેમ્પા (Campa) અને સોસ્યો (Sosyo) ખરીદી લીધી છે. આ ડીલ બાદ રિલાયન્સ બેવરેજીસ માર્કેટમાં પેપ્સી (Pepsi) અને કોકા-કોલા (Coca-Cola) જેવી પ્રમુખ બ્રાન્ડને ટક્કર આપશે. એક અંદાજ પ્રમાણે રિલાયન્સ ગ્રુપ ટૂંક સમયમાં જ કેમ્પા અને સોસ્યોને રી-લોન્ચ કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ રિટેઈલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ના ડિરેક્ટર ઈશા અંબાણીએ ગત 29 ઓગષ્ટના રોજ એક મહત્વની જાહેરાત કરી હતી. ઈશા અંબાણીએ RILની 45મી વાર્ષિક જનરલ મીટિંગ દરમિયાન કંપનીનું રિટેઈલ એકમ હવે FMCG બિઝનેસમાં પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી હતી.
આમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સોફ્ટ ડ્રિંક સેગમેન્ટમાં ભારે મોટો દાવ લગાવ્યો છે અને દેશભરમાં દિવાળી સુધીમાં Campaને 3 ફ્લેવર્સમાં રી-લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તે આઈકોનિક કેમ્પા કોલા વર્ઝન સિવાય લેમન અને ઓરેન્જ ફ્લેવરમાં આવશે. તેને રિલાયન્સ રિટેઈલ્સના પોતાના સ્ટોર્સ ઉપરાંત લોકલ દુકાનો દ્વારા વેચવામાં આવશે. એક અહેવાલ પ્રમાણે આ અધિગ્રહણ ડીલ 22 કરોડ રૂપિયામાં થઈ છે.
Campa Cola વિશે
કેમ્પા કોલા (Campa Cola)ને 1970માં પ્યોર ડ્રિંક્સ ગ્રુપે લોન્ચ કરી હતી. 1949માં કોકા-કોલાના લોન્ચિંગ અને ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી પણ તે ગ્રુપ પાસે જ હતી. બાદમાં 1977માં અમેરિકી બ્રાન્ડને કામચલાઉરૂપે બહાર કરી દેવાઈ હતી. ત્યાર બાદ પ્યોર ડ્રિંક્સ ગ્રુપે બ્રાન્ડ કેમ્પા કોલા લોન્ચ કરી હતી.