કોરોનાના 2 વર્ષના કપરા કાળ બાદ આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શુરુઆત થઈ છે ત્યારે લાખોની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શનાથે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં હજારોની સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા. બોલ મારી અંબે ના નાદ સાથે અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું. માં અંબાના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની કતારો લાગી હતી અને માં જગત જનનીના દર્શન કરવા આતુર જોવા મળ્યા હતા.. આજે ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ માં અંબા નો આશીર્વાદ લેવા ઉમટી પડ્યું હતું.
ભાદરવી પૂનમ ના મહા મેળામાં લાખ્ખોની સંખ્યા માં માઇભક્તો માં અંબા ને આમંત્રણ આપવા આવતા હોય છે એવી માન્યતા છે. કહેવાય છે નવરાત્રી પેહલા શ્રાદ્ધ પક્ષ ચાલુ થતો હોય છે તેના માટે લોકો ભાદરવી માસમાં માતાજીને ધજા સાથે આમંત્રણ પાઠવવા અંબાજી આવે છે જેથી માતાજી નવરાત્રી દરમ્યાન પધારે અને આશીર્વાદ પ્રદાન કરે.
ભાદરવી પૂનમના મેળાને લઈ રાજ્ય સરકાર પૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહી છે અને માં અંબાના દર્શને પગે ચાલીને આવતા યાત્રાળુઓને કોઈ પણ અગવડ ન પડે અને નિશ્ચિત મને દર્શન કરે તેવી અજોડ ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા પોલીસ દ્વારા અદભુત સંકલન જોવા મળી રહ્યું છે. રાત્રીના સમયમાં મંદિર સહિતના અન્ય સરકારી મકાનો, સર્કલને શોળે કળાએ ખીલી ઉઠે તેમ રોશનીથી શણગારવામાં આવ્યા છે. સફાઈ કર્મીઓ એક એક પળે એક એક જગ્યાએ યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે સ્વચ્છતા અભિયાન રૂપે ચોખ્ખાઈ રાખતા 24 કલાક ખડેપગે કાર્ય કરતા નજરે જોવા મળી રહ્યા છે. રાત્રીના સમયમાં અંબાજી શહેર રમણીય રોશની દ્રારા ઝળહળતા અદભુત નજરો જોવા મળી રહેલ છે.