કેન્દ્ર સરકારની આંતર મંત્રાલય ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ટીમના સભ્યો દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.
ગત તા. ૧૦મી અને ૧૧મી જુલાઇના રોજ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં થયેલા નુકસાનના આકલન માટે કેન્દ્ર સરકાર દ્વારા આંતર મંત્રાલય ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરી ટીમના સભ્યો ડૉ. સુભાષ ચંદ્રા, ખેતીવાડી, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેકટર, વાય.એસ.વાર્સણેય, અધિક્ષક ઇજનેર, જળશક્તિ મંત્રાલય અને ઉર્જા મંત્રાલયના નાયબ નિયામક નિરજા વર્માએ ખેડૂતોના ખેતરોમાં જઇ ખેતીવાડીને થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ખેતીવાડી, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેકટર ડૉ. સુભાષ ચંદ્રાએ બોડેલી તાલુકાના ખોડીયા ગામના ખેડૂતોને સાથે રાખીને તેમના ખેતરોમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે જાત નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કરતા ખેડૂતોને કયા પાકની વાવણી કરી હતી તેમજ દર વર્ષે કેટલું ઉત્પાદન ઉપજે છે એ અંગે પૃચ્છા કરી હતી. બાદમાં તેઓએ પાણેજ ગામના ખેડૂતો સાથે પણ તેમના ખેતરોમાં જઇને જાત નિરીક્ષણ કરી નુકસાનનીનો અંદાજ મેળવ્યો હતો.
આ ઉપરાંત ટીમ દ્વારા મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીઓને સાથે વિજ કંપનીને થયેલા નુકસાન અંગે પણ સ્થળ નિરીક્ષણ કરી પડી ગયેલા વિજ થાંભલાઓ તેમજ વિજ કંપની દ્વારા કરવામાં આવેલી વિજ પુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી અંગે માહિતી મેળવી હતી.
નસવાડી તાલુકાના અકોના ગામે ખેડૂતોની મુલાકાત દરમિયાન મીડીયા સાથે વાત કરતા ખેતીવાડી, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડાયરેકટર સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં ગત સમયમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર, નર્મદા અને નવસારી જિલ્લામાં કેન્દ્રની આંતર મંત્રાલય ટીમ દ્વારા જાત નિરીક્ષણ કરી નુકસાનીનું આંકલન કરવામાં આવી રહ્યું છે. ટીમ તેમની આ મુલાકાત બાદ તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે એમ જણાવ્યું હતું.
કેન્દ્રની આંતર મંત્રાલય ટીમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, બોડેલી પ્રાંત ઉમેશ શાહ, સંયુકત ખેતી નિયામક પટેલ, સી.સી.પટેલ, બરોડાના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનરે અમરસિંહ રાઠવા, કાર્યપાલક ઇજનેર વસાવા, નાયબ બાગાયત નિયામક હસમુખ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી કૃણાલભાઇ પટેલ, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર કમલેશ બારૈયા, વાસ્મોના યુનિટ મેનેજર અજય ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ અને ગ્રામસેવકો, ખેડૂતો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.