સહકાર અને કુટિર ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ની અધ્યક્ષતામાં આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉદ્યોગકારો-એસોસિએશનના હોદ્દેદારો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ એક બેઠક યોજાઇ હતી. મંત્રીશ્રીએ ઉદ્યોગકારો અને એસોસીએશનના હોદ્દેદારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત નં. ૧ છે. ભાવનગરમાં શિહોર ખાતે આવેલ જી.આઇ.ડી.સી. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ અને આવનાર સમયમાં ધોલેરા ખાતે બનનાર સરને કારણે ભાવનગરનો મોટાપાયે વિકાસ થવાનો છે. તેમાં ઉદ્યોગ મોટી ભૂમિકા ભજવશે. ત્યારે ઉદ્યોગને લગતાં પ્રશ્નો જેવાં કે, લીઝ રીન્યુઅલ, કોમન ફેસિલિટી સેન્ટર બનાવવું, આર.એમ.ની પર્મેનન્ટ પોસ્ટીંગ, શિહોરમાં ઓવરબ્રિજ-અંડરબ્રિજ, બાયપાસ સહિતની જરૂરીયાત બાબતે સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. ભાવનગર જિલ્લો આગામી દિવસોમાં કન્ટેનર હબ બનવાં તરફ અગ્રેસર બની રહ્યો છે. સી.એન.જી. ટર્મિનલ ભાવનગરના દરિયાકિનારે બનવાં જઇ રહ્યું છે. અલંગમાં રિસાયક્લિંગ યાર્ડ બનવાનું છે. ભાવનગર અને ધોલેરા વચ્ચે નવો સીક્સલેન રોડ બની રહ્યો છે. ભાવનગર રોડ, રેલ અને એર માર્ગથી સંકળાયેલ કેન્દ્ર બનવાં જઇ રહ્યું છે ત્યારે ભાવનગરમાં ઉદ્યોગ વિકાસની અસીમિત શક્યતાઓ રહેલી છે તેનો લાભ ઉઠાવવાં માટે સજ્જ બનવાં તેમણે ઉદ્યોગકારોને આહ્વાન કર્યું હતું.
માર્ગ અને મકાન વિભાગની બેઠકમાં તેમણે ચોમાસામાં તૂટેલાં રોડ ઝડપથી રીપેર કરવાની સૂચના આપી હતી. ભાવનગરમાં નવું બસ સ્ટેન્ડ બની રહ્યું છે. ઓવરબ્રિજ પણ બની રહ્યો છે.ત્યારે આ બધાં કામો ઝડપથી પૂરાં થાય તે માટેનું માર્ગદર્શન તેમણે ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું. તેમણે વિશ્વકર્મા સમાજના પ્રતિનિધિઓને સંબોધતાં જણાવ્યું કે, પહેલાં રાષ્ટ્ર છે. અને પછી સમાજ છે. વિશ્વકર્મા સમાજ પણ હવે ઝડપથી નવી સુધારણાં અપનાવી પ્રગતિ કરી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. તેમણે સમાજના અગ્રણીઓ ભાવનગરના વિકાસમાં યોગદાન આપે તે માટેનો અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા ભા.જ.પા. શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા, ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી, વિશ્વકર્મા સમાજના આગેવાનો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.