સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્ર્મ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને ડો. નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ૯ શિક્ષકોનું સન્માન કરાયું હતું.
દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી મંત્રીશ્રી પ્રદીપ પરમારે ઉમેર્યુ હતું કે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારત દેશ એ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભગવાન રામ, કૃષ્ણ, અર્જુન, એકલવ્ય વગેરેએ ગુરુના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે શિક્ષકોની ભરતીમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી, મેરીટ પદ્ધતિ દાખલ કરી ગુણવત્તાવાળા શિક્ષકો સમાજને આપ્યા છે. શિક્ષકો માટે બદલી, સલામતી તેમજ યોગ્ય વેતનની જોગવાઈ કરી શિક્ષણના સ્તરને ઊંચું લાવવા સરકાર સદાય પ્રયાસરત રહી છે. જેના કારણે આજે સરકારી શાળાનુ શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાવાળુ બન્યું છે. જેથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, સ્માર્ટ શાળા, આધુનિક વર્ગખંડો વગેરેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે સરકારે આમૂલ પરિવર્તન આણ્યું છે.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. મહાનુભવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાના ૯ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી રમીલાબેન પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યાબા, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એલ. શાહ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ચૌધરી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી કે.ટી.પુરણીયા, પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.