ચૂંટણી નજીક આવતા જ દરેક રાજકીય પાર્ટી ઝંડા અને બેનરોમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને શહેર તેમજ ગામના રસ્તાઓને ચીતરી મૂકે છે અને લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોસ્ટર, બેનરો અને પાર્ટીના ઝંડાથી શહેર અને ગામડાઓના રસ્તાઓને ગંદા કરી નાખ્યા છે. જ્યાં નજર કરો ત્યાં કોઈના કોઈ પાર્ટીના ઝંડા તેમજ બેનરો જોવા મળી રહ્યા છે. રેલવે સ્ટેશનથી લઈને બસ સ્ટૅશન તેમજ સરકારી ઈમારતોને પણ બાકાત રાખવામાં આવી નથી. શહેરોમાં જ્યાં જગ્યા મળી ત્યાં પાર્ટીના ઝંડા લગાવમાં આવી દીધા છે તો ચોકે ચોકે મોટા મોટા બેનરો મારી દેવામાં આવ્યા છે.
અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહીત મોટા શહેરોમાં તો જાણે ક્યાંય ખૂણો બાકી ન હોય તેમ રાજકીય પાર્ટીએ બેનરો મારી દીધા છે. વિદેશમાં ચૂંટણી થાય છે ત્યારે સરકારી ઇમારત કે સરકારી સંપત્તિનો રાજકીય ઉપયોગ કરવામાં આવતો નથી જો કે ભારતમાં એવું હોતું નથી. ભારતમાં સ્વચ્છ ભારતના ખાલી નિવેદન જ આપવામાં આવે છે પરંતુ આવા બેનરો અને પાર્ટીના ઝંડાથી જે નુકશાન થાય છે તેની ભરપાઈ લોકોને ટેક્ષ ભરીને આપવી પડે છે. 
શું ચૂંટણી કમિશનરમાં હાથમાં એવી કોઈ સત્તા નથી કે કોઈપણ જાહેર જગ્યાએ રાજકીય પાર્ટીને આ રીતે બેનર કે રાજકીય ઝંડો લાગવા માટે રોકી શકે ? ગુજરાતની ચૂંટણીમાં દરેક પક્ષ આવા બેનરો અને રાજકીય પાર્ટીના ઝંડા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે. દરેક પક્ષે સમજવું જોઈએ કે રાષ્ટ્રની સંપત્તિ એ રાષ્ટ્રના દરેક વ્યક્તિની છે એટલે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન પહોંચાડવાથી રાષ્ટ્રને જ નુકશાન થશે.