ભારત દેશમાં ગોળની તપાસ માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પહેલીવાર દેશના દરેક રાજ્યોના 249 જિલ્લામાંથી 3,060 નમુના ભેગા કર્યા છે. પરિણામ ચોંકાવનારા છે. ઘણાં રાજ્યોમાં વેચાતા ગોળમાં કેમિકલ જોવા મળ્યું છે. ઘણાં શહેર તો એવા છે જેમના નમૂના ફેઈલ સાબીત થયા છે. કુલ દેશના બજારોમાં 36% ગોળ ગુણવત્તા કરતા ખરાબ નોંધાયો છે. ગુજરાતનો ગોળ પણ ગુણવત્તામાં 46.9% ખરાબ નોંધવામાં આવ્યો છે. જ્યારે સર્વે પ્રમાણે ગુજરાતના રાજકોટ શહેરના ગોળમાં તો 10% પણ શુદ્ધતા જોવા મળી નથી.
FSSAIની તપાસમાં એવું પણ જોવા મળ્યું છે કે પેકિંગવાળા ગોળની સરખામણીએ ખુલ્લો વેચાતો ગોળ વધારે ખરાબ હોય છે. તેથી FSSAIએ પેકિંગવાળો ગોળ જ ખરીદવાની સલાહ આપી છે.
તપાસને આધાર બનાવીને FSSAIએ FACI કૃષિ મંત્રાલય, ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રાલય અને સુક્ષ્મ-લઘુ ઉદ્યોગોને રેગ્યુલેટ કરનાર ઓથોરિટીને પત્ર લખ્યો છે. તેમાં જણાવાવમાં આવ્યું છે કે, ગોળ સાથે જોડાયેલા વેપારીઓને જાગ્રત કરવાની જરૂર છે. તેમને યોગ્ય ટ્રેનિંગ આપવાની જરૂર છે.
આ સિવાય ઈન્ડિયન કાઉન્સિલિંગ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ શુગરકેન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IISRI) અને નેશનલ શુગર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટેટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને પણ શુદ્ધ ગોળ વિશે જાગ્રતતા ફેલાવવાનું કહેવામાં આવ્યું છે.
ટોપ-10 રાજ્ય, જ્યાં ગોળ સૌથી સારો- ત્રિપુરા-100%, ઉત્તરાખંડ 95%, મેઘાલય 90.6%, અંદમાન-નિકોબાર 90%, આંધ્રપ્રદેશ 87.5%, જમ્મુ-કાશ્મીર 87.5%, તેલંગાણા 87%, સિક્કિમ 85%, આસામ 83.3% અને કર્ણાટક 80.6%.
આ શહેરોનો ગોળ 100% શુદ્ધ: ભોપાલ, રાંચી, દિલ્હી, ઈન્દોર, જયપુર, પુણે, સિલીગુડી અને વારાણસીમાં 100% શુદ્ધ ગોળ જોવા મળ્યો છે. જ્યારે ગુજરાતના રાજકોટ, UPના મેરઠ અને પંજાબના લુધિયાણામાં લેવામાં આવેલા ગોળના નમુનામાં 10% શુદ્ધતા પણ જોવા મળી નથી.