ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થતા રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર પણ ઇલેકશન મોડમાં આવી ગયેલ હોય વિધાનસભાની આગામી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઈ તે માટે પૂરજોશમાં તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.જેમાં રાજકોટમાં આવતીકાલ તા. 6થી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાના રિટર્નીંગ અધિકારીઓ અને આસિસ્ટન્ટ રિટર્નીંગ અધિકારીઓના બીજા તબક્કાનું ચૂંટણીલક્ષી તાલીમ વર્ગ આયોજીત કરવામાં આવેલ છે. શહેરની એવીપીટી કોલેજ ખાતે યોજાનારા આ તાલીમ વર્ગમાં 50 જેટલા રિટર્નીંગ અધિકારીઓ અને આસિસ્ટન્ટ રિટર્નીંગ અધિકારીઓ ભાગ લેનાર છે. આ રિટર્નીંગ અધિકારીઓને નેશનલ લેવલના માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિધાનસભા ચૂંટણી સંદર્ભે જરુરી તાલીમ અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ રિટર્નીંગ અધિકારીઓનો પ્રથમ તબક્કાનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો.