ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે, રાજ્ય બહારથી ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહયો જે વાત સ્વિકારવી જ રહી.
ગુજરાતમાં મુખ્યત્વે ચાર જગ્યાએથી ગુજરાતમાં આવે છે જે પોલીસ અજાણ નથી.
રાજસ્થાનથી આવતો દારૂ બનાસકાંઠા તથા સાબરકાંઠા થઈ રાજ્યમાં આવે છે.
મધ્યપ્રદેશથી આવતો દારૂ દાહોદ થઈને રાજ્યમાં આવે છે. જ્યારે મહારાષ્ટ્રથી આવતો દારૂ નવાગામથી રાજ્યમાં ઉતરે થાય છે અને દમણનો દારૂ વાયા વાપી- વલસાડ થઈ ગુજરાતમાં રોજ ઠલવાય છે.
બીજી તરફ સરકારી નિવેદનોમાં હર્ષ સંઘવી દાવો કરી રહયા છે કે, “બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949માં સુધારો કરી વર્ષ-2017થી આ કાયદાને વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે.
ક્વૉલિટી કેસના આરોપીઓની સજામાં વધારો કરાયો છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં વાહનને જપ્ત કરવા અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે સાથેજ, એક કરતા વધુ વખત આ પ્રકારના ગુના આચરનાર તત્ત્વોને ગ્રેડેડ પનિશમેન્ટ માટેની કડક જોગવાઈ કરવામાં આવી છે.”
હર્ષ સંધવીએ જણાવ્યું કે, “ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.”
“2021માં 123 કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી 1.67 લાખથી વધારે કેસો સાથે 1.67 લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. તે ઉપરાંત 920 થી વધારે બુટલેગરોની પાસા અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહી કરવામાં આવી છે.”
“ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરી તે તમામની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી, ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરુદ્ધ સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “પોલીસ વિભાગના સ્ટેટ મૉનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે શહેર તેમજ જિલ્લા પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સતત મૉનિટરિંગ કરવામાં આવે છે અને રાજ્ય સ્તરે સ્વતંત્ર ઍન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આ ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવે છે.”
જોકે,સરકારના દાવા વચ્ચે ગુજરાતમાં દારૂ મળતો રહે છે તે જુદી વાત છે અને દેશી દારૂ પણ ગામડાઓમાં બનતો રહે છે અને વેચાતો રહે છે આવા લઠ્ઠાકાંડ થાય ત્યારે ડરની ચર્ચાઓ વચ્ચે બધું થોડા દિવસ શાંત થઈ જાય પણ પાછી એજ રફતાર સાથે બધું પૂર્વવત થઈ જાય છે.
ભલે સરકાર ગમે તેટલા દાવા કરે પણ જે વાસ્તવિક સ્થિતિ જોવા મળી રહી છે તે જોતા વર્ષોથી આ ચાલ્યું આવ્યું છે અને કાયમ માટે ચાલતું રહેશે તે કહેવું અસ્થાને નથી !!!