ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ- ૫૩,૯૪૮ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૧૨,૧૯૬ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૬,૮૦૪ લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ-૧,૭૬,૮૫૯ લોકોની નોંધણી થઈ છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. વધુમાં આગામી ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ખાસ અનુરોધ કર્યો છે.