ભારતીય ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ વોટરપ્રૂફ રાખી કવરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા સદર વિશેષ વોટરપ્રૂફ રાખી કવર વિષે માહિતી આપવા માટે તારીખ ૨૯.૦૭.૨૦૨૨ ના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા પોસ્ટ વિભાગના અધિક્ષક હર્ષદભાઈ સી. પરમાર, નડિયાદ પોસ્ટ ઓફિસના સીનીયર પોસ્ટમાસ્ટર અર્જુનભાઈ એચ. ચાવડા તેમજ મૈત્રી સંસ્થાના સંચાલક મેહુલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હર્ષદભાઈ સી. પરમાર દ્વારા વિશેષ વોટરપ્રૂફ રાખી કવર વિષે માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યુ કે રક્ષાબંધનનુ આ વોટરપ્રૂફ કવર ખેડા ડીવીજનની દરેક પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકાશે અને આ વિશેષ કવરની કિંમત ફક્ત રૂપિયા ૧૦ છે. વધુમા પોસ્ટ અધિક્ષક એ આ વોટરપુફ કવરનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરી. તદુપરાંત તેમણે જણાવ્યુ કે ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસ અને સ્પીડ પોસ્ટ સર્વિસ દ્વારા બેહેનો વિદેશમાં પણ સમયસર અને સલામત રીતે રાખડી મોકલી શકશે.
વધુ એક સરાહનીય કામ તરીકે નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા નિર્માણ કરવામાં આવેલ રાખડી વેચવા માટે પ્લેટફોર્મ આપવામાં આવેલ છે.