રાજ્યના અનેક ભાગમાં હવામાન પલટાના કારણે થયેલા માવઠાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકા, રાયડો, એરંડા, તમાકુ, ઘઉં સહિતના પાકોનો તૈયાર માલ ખેતરમાં પડ્યો હતો. તેવામાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ છેલ્લા બે દિવસથી પલટાયેલા હવામાનના કારણે ગત રાત્રે અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી સ્વરૂપે માવઠા થયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ડીસા પંથકમાં હાલમાં 50%થી વધુ ખેતરોમાં બટાકાનું તૈયાર માલ પડ્યો છે. આ સિવાય ખેડૂતો હાલ રાયડો, એરંડા, તમાકુ, જીરું, ઘઉં સહિતના પાકો લેવાની કાપણી કરીને તૈયાર બેઠા છે. તેજ સમયે અચાનક વરસાદ પડતા અનેક ખેડૂતોનો તૈયાર માલ પલળી જવા પામ્યો છે. જેનાથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

એક તરફ બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે, ત્યારે બીજી તરફ વરસાદ થતાં ખેડૂતોની કમર બેવડી રીતે ભાગી જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ વરસાદ બાદ તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય આપવાની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.

આ નુકસાન અંગે અસરગ્રસ્ત ખેડૂત મહેન્દ્ર ઠાકોર અને શ્રવણ ઠાકોરે રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને અંદાજિત 3થી 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક તરફ બટાકાના ભાવ નથી મળતા તો બીજી તરફ વરસાદના કારણે પણ બટાકા, રાયડો, એરંડા, રાજગરો સહિતના પાકનું વાવેતર કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે.

ડીસામાં ફરી એકવાર મોડી રાતે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. ડીસા પંથકમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતોને બટાકાના પાકમાં નુકસાન થવાની ભીતી સતાવી રહી હતી.

હવામાન વિભાગે પાંચ અને 6 તારીખે બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. જેને પગલે ગઈકાલે સાંજે ડીસા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

ખાસ કરીને ડીસામાં અત્યારે બટાકા નીકાળવાની સિઝન ચાલી રહી છે અને અનેક ખેતરોમાં ખેડૂતોએ બટાકાના ઢગલા કરીને રાખ્યા છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોને બટાકાના પાકમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. તો બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

આ અંગે વાતાવરણ મામલે ડીસા તાલુકાના માલગઢના ખેડૂત અગ્રણી હરદેવભાઇ ભગવાનજી ગેલોત (માળી)એ જણાવ્યું હતું કે, આ વર્ષે વારંવાર કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને રાત્રે પણ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને બટાકામાં મોટુ નુકસાન થવાની શક્યતા છે. એક તરફ બટાકાના ભાવ તળિયે હોવાથી પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે બીજી તરફ વાતાવરણના કારણે પણ ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો માહોલ સર્જાયો છે.