જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિત કુલ અન્ય ૧૬ પ્રશ્નોની માંગણી અંગે સરકારશ્રી દ્વારા કોઈપણ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતો હોય ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ તા.૦૩-૦૯-૨૦૨૨ શનિવારના રોજ રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જુનાગઢ જિલ્લામાં તમામ મંડળોના લગભગ સાડા ચાર હજારથી વધુ કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઝાંસીના પૂતળાથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી સરકારશ્રી સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અને જૂની પેન્શન યોજના સહિત કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નોની માંગણી તાત્કાલિક પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે જૂનાગઢ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ શ્રી પરબતભાઈ નાઘેરા ભીખુભાઈ બંધીયા નિલેશભાઈ સોનારા ભરતભાઈ રાઠોડ દિનેશભાઈ પટેલ વેજાભાઈ પિઠીયા હેતલબેન મેંદપરા તેમજ જૂનાગઢ જિલ્લા કર્મચારી મહામંડળના મહામંત્રી શ્રી દીપેનભાઈ અટારાએ આ તમામ કર્મચારીઓ વતી કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરેલી.આગામી તા.૦૭-૦૯-૨૦૨૨ ના રોજ મહામંડળના કર્મચારીઓ સાથે સરકારશ્રીની પડતર માંગણી બાબતની ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. આશા છે કર્મચારીના પ્રશ્નોનું સરકારશ્રી નિરાકરણ કરશે અને જુની પેન્શન યોજના તાત્કાલિક લાગુ કરશે અન્યથા કર્મચારી આગામી ૧૧ સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના ઝોનમાં અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ એકત્રિત થઈ આનાથી પણ વિશાળ સંખ્યામાં રેલી કાઢવાના છે અને જરૂર પડયે માસ સીએલ, પેનડાઉન, અને અચોક્કસ મુદતની હડતાલ જેવા કાર્યક્રમો કરવા પણ તૈયાર જ બેઠા છે તેવું જૂનાગઢ જીલ્લા કર્મચારી મહામંડળના મહામંત્રી દીપેનભાઈ અટારાએ તેમની યાદીમાં જણાવેલ છે.