BISAGના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૦૪, GSWAN લિંક અને JIO પ્લેટફોર્મ પરથી પ્રસારિત આ કાર્યક્રમને રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સે નિહાળ્યો
.......................
મતદાર યાદી સુધારણા માટે દસ લાખથી વધુ ફોર્મ મળ્યાઃ ગુજરાતના નાગરિકોનો મતદાર યાદી સુધારણા માટે જબ્બર પ્રતિસાદ
..............................
અમરેલી, તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શનિવાર) તા.૩જી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ BISAGના માધ્યમથી રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાલમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે BLO & Supervisors SATCOM Refresher Training Program અંતર્ગત વિશેષતઃ વિવિધ ફોર્મ્સમાં કરવામાં આવેલા વૈધાનિક સુધારાઓ તેમજ GARUDA ઍપ્લિકેશન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, મતદાર યાદી ક્ષતિરહિત, સમાવેશી અને ૧૦૦% ટકા સહભાગિતાપૂર્ણ હોવી જોઈએ, તે જ ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય આધાર છે. અગાઉ હાઉસ ટુ હાઉસ વિઝીટ કરી બુથ લેવલ ઓફિર્સ દ્વારા ૧૦ લાખથી વધુ ફોર્મ એકઠા કરવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ મહત્વનું કાર્ય યુવા અને મહિલા મતદારોને જોડવાનું છે. તા.૦૪ સપ્ટેમ્બર તથા તા.૧૧ સપ્ટેમ્બરના રોજ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાનાર કેમ્પમાં મહત્તમ કામગીરી થાય તે આવશ્યક છે. તા.૧૧મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરનાર નાગરિકોના જ નામનો તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ થનાર મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
બુથ લેવલ ઑફિસર્સની કામગીરીને બિરદાવતાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના કાલોલ, બનાસકાંઠા જિલ્લાના દાંતા, પાટણ જિલ્લાના સિદ્ધપુર અને દાહોદના બુથ લેવલ ઓફિસર્સ દ્વારા ઉત્તમ કામગીરી કરાઈ છે. વિધાનસભા મતવિસ્તાર મુજબ ઉત્તમ કામગીરી કરનાર BLO તથા સુપરવાઈઝર્સને પ્રોત્સાહન આપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અશોક માણેકે જણાવ્યું હતું કે, મતદાર યાદી સંપૂર્ણ અને ક્ષતિરહિત બને તે માટે અત્યાર સુધી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગત બે રવિવાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં અઢી લાખથી વધુ યુવા નાગરિકોએ મતદાર તરીકે નોંધણી માટે અરજી કરી છે અને હવે આગામી બે રવિવાર તથા બાકીના દિવસો ખૂબ મહત્વના છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ અત્યાર સુધી BLO તથા સુપરવાઈઝર્સ દ્વારા જે નિષ્ઠા અને મહેનતથી કામગીરી કરી છે તે રીતે આગામી દિવસોમાં પણ મહત્તમ કામગીરી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહત્તમ યુવા નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃત્ત થાય તે માટે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત SVEEP પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. ગ્રામ્ય કક્ષાએ બુથ અવેરનેસ ગૃપ મહત્વના છે, જેમાં ગામના આગેવાનો અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીઓને આવરી લઈ મહત્તમ જાગૃતિ કેળવવા પ્રયાસો કરવા જોઈએ.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે. પટેલે વધુમાં ઉમેર્યું કે, શહેરી વિસ્તારોમાં કામ કરતાં બુથ લેવલ ઓફિસર્સે થોડી અલગ કાર્યપદ્ધતિ અપનાવી વિસ્તારના આગેવાનો અને સોસાયટીઓની કમિટીના હોદ્દેદારોની મદદ લઈ મહત્તમ નાગરિકો સુધી જરૂરી માર્ગદર્શન કે મેસેજ પહોંચાડી શકાય છે. આ ચૂંટણીમાં શહેરી નાગરિકોની સહભાગીતા વધે તે માટે ચૂંટણી પંચ દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બુથ લેવલ ઓફિસર્સની ભૂમિકા મહત્વની બની જાય છે.
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ગુજરાતના અધિક કલેક્ટર સુશ્રી દર્શના રાંક દ્વારા વૈધાનિક સુધારા બાદના નવા ફોર્મ્સની વિગતે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે આઈ.ટી. એક્સપર્ટ દ્વારા GARUDA ઍપના ફિચર્સ તથા જરૂરી બાબતો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
BISAGના માધ્યમથી પ્રસારિત આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયુક્ત નિયામકશ્રી મનિષ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ-૦૪, GSWAN લિંક અને JIO પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને વિવિધ જિલ્લાના BRC અને CRC ભવન તથા મામલતદાર કચેરીઓ ખાતે રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સે નિહાળ્યો હતો.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી