દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રત્યેક જિલ્લાઓમાં આ મહોત્સવ અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે તા. ૨૫ જૂલાઈથી ૩૦ જૂલાઈ સુધી દેશના ૭૭૩ જિલ્લામાં ઉર્જા મંત્રાલય અને MNRE, રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી "ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય" ઉર્જા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત બોટાદના ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષ સ્થાને ગઇકાલે ઉર્જા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉર્જા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલાં કાર્યક્રમનાં અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, આઝાદીનાં અમૃત મહોત્સવ અન્વયે આજે આપણાં શહેરમાં આવો મહામૂલો કાર્યક્રમ યોજાયો છે. આપણાં દેશે વીજઉત્પાદન ક્ષેત્રે છેલ્લા આઠ વર્ષમાં અનન્ય સિદ્ધિ મેળવી છે અને સરકારશ્રી દ્વારા છેવાડાના ગામડાઓ સુધી ૨૪ કલાક વીજળી પહોંચાડવાનું પાયાનું કાર્ય કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અનેક યોજનાઓ હાલ ઉત્સવરૂપે ઉજવાઈ રહી છે. આજે આપણા જિલ્લામાં ઉદ્યોગોને પણ પૂરતી અને ગુણવત્તાસભર વીજળી મળી રહે અને ઉદ્યોગક્ષેત્ર પણ સતત વિકસતું રહે તેવા તમામ પ્રયાસો કરાય રહ્યા છે. ખેતીવાડીમાં દિવસે વીજળી આપવાનો સરકારશ્રીનો નિર્ણય અભિનંદનને પાત્ર છે. આપણાં ઘરે હવે સોલાર રૂફટોપ બચતનું નવું માધ્યમ બન્યુ છે જે બાબતનો વધુને વધુ લોકો લાભ લે તેવો અનુરોધ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ કર્યો હતો.
આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉર્જા ક્ષેત્રે આપણા દેશે અનેક સિદ્ધિઓ મેળવી છે અને આગામી ૨૦૪૭ના વર્ષ સુધીમાં આપણે અનેક સિદ્ઘિઓ હાંસલ કરવાની છે. આજે તમામ વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી મળી રહે છે, ખેડૂતોને દિવસે વીજળી મળતા તેમના રાત ઉજાગરા દૂર થયા છે. આગામી સમયમાં સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ ફાર્મ જેવાં કુદરતી સ્રોતોનો ઉપયોગ કરી વધુ સારું સ્થાન મેળવવાનું છે. સૂર્યપ્રકાશ આધારિત સોલાર રૂફ ટોપ યોજના થકી દેશે સૌરઉર્જાક્ષેત્રે હરણફાળ ભરી છે. વીજળી ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રદુષણમુક્ત બન્યા છીએ.
આ તકે પીજીવીસીએલ બોટાદ સર્કલના અધિક્ષક ઈજનેર આર.જી.ગોવાણીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બોટાદના પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં શોર્ટફિલ્મ, શેરી નાટકના માધ્યમ થકી વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.