ગાંધીનગરના ગિફ્ટસિટી ખાતે ઇન્ટરનેશનલ બુલિયન માર્કેટનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સિતારમણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણી ઉપરાંત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને વિદેશી મહેમાનોએ ખાસ હાજરી આપી.
ગિફ્ટસિટીમાં ઊભું કરવામાં આવેલું આ ઇન્ટરનેશનલ બુલિયન માર્કેટ બુલિયન ટ્રેડિંગને સંગઠિત બજાર તરીકે ઊભું કરવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટના ઓર્ડર મેચિંગ કરવા, ટ્રેડિંગ, ક્લીયરિંગ અને સેટલમેન્ટ માટેનું યોગ્ય મિકેનિઝમ પૂરું પાડશે. આ ઉપરાંત એક્સચેન્જ દ્વારા વેપારીઓ અને રોકાણકારોને ટ્રેડિંગ એવન્યુ પૂરતી પાડવા સિવાય IIBXમાં સંશોધન, પારદર્શિતા અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પૂરા પાડશે.
IFSCA દ્વારા જોખમી વિસ્તારમાંથી ખનિજની સુરક્ષિત સપ્લાય ચેઇન માટે OECDનું પાલન કરી IIBX દ્વારા વિતરણ કરવામાં આવતા સ્રોતની ખાતરી પૂરી પાડી છે. આ સાથે જ 1990 બાદ કરવામાં આવેલા સુધારા અંતર્ગત નામાંકિત બેન્કો અને એજન્સી સહિત IFSCAના માપદંડ મુજબ જ્વેલર્સને સોનાની સીધી આયાતની મંજૂરી આપવામાં આવી છે.
ગિફ્ટસિટી ખાતે સોના માટે અંદાજિત 125 ટન અને ચાંદી માટે 1 હજાર ટન સુધીની સંગ્રહક્ષમતા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત SEZ હેઠળના કોઈપણ એકમને IIBX પર ટ્રેડિંગ માટે બુલિયન સ્પોટ ડિલિવરી કોન્ટ્રાક્ટ અને BDR ઇશ્યૂ કરવા માટે મંજૂરી અપાઈ છે અને તેને IFSCAમાં માન્ય રાખવામાં આવશે.
https://www.dainikgujarat.com/2022/07/29/launch-of-international-bullion-exchange-by-pm-gold-can-be-traded-like-stock-market-from-gandhinagar/