ઉના મામલતદાર કચેરીના આઉટસોર્સ કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાની લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં જમા થતી રકમના ડેટા સાથે ચેડાં કરી સરકારમાંથી આવતી સહાય તેમના સગા સંબંધીઓના ખાતામાં જમા કરાવી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે ઉનાના ધારાસભ્ય મામલતદાર કચેરીએ ધસી ગયા હતા અને આ અંગે મામલતદારને આકરા શબ્દોમાં યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું. ત્યારે પુંજાભાઇ વંશ દ્વારા આ બાબતની મહિલા અને બાળવિકાસ તેમજ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં મામલતદાર દ્વારા તપાસ કરાતાં ઓપરેટર દ્વારા 9 લાભાર્થીઓના એકાઉન્ટ નંબર ચેન્જ કરી રૂ. 2.23 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.