અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર,૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લામાં પશુઓમાં જોવા મળી રહેલા 'લમ્પી સ્કીન ડીસીઝ'ને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અને સારવાર સહિતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાને પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઇન્ફેકશિયસ ડીસીઝ ઇન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ની કલમ અને પેટા કલમ હેઠળ તાત્કાલિક અસરથી નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં પશુઓને સુરક્ષિત રાખવા માટે અને આ રોગનું સંક્રમણ પ્રસરતું અટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.વાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અમરેલી જિલ્લામાં આગામી તા.૧૪/૦૯/૨૦૨૨ સુધી પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી જિલ્લાની હદમાં અંદર અથવા તો બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આ દિવસો દરમિયાન જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવાં પ્રાણીઓના મેળાવડા પર પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે 'પ્રિવેન્શન ઓફ ઈન્ફેક્શિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઈન એનિમલ્સ એક્ટ-૨૦૦૯ અને આઈપીસીની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી