આજે તા.2 સપ્ટેમ્બર અને શુક્રવાર છે એટલે કે આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિ પણ છે. 

હિન્દૂ પંચાંગ મુજબ આજના દિવસને આપણા દેશમાં સૂર્ય છઠ્ઠ કે લલિતા છઠ્ઠ પણ કહેવામાં આવે છે. 

સૂર્ય છઠ્ઠના દિવસે આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. 

આજે તાંબાના વાસણમાં લાલ ચંદન અને લાલ ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાનું શાસ્ત્રોમાં જણાવાયુ છે,જેમાં આ વ્રતનો ઉલ્લેખ છે.

આજના દિવસે વ્રત કરીને ભગવાન સૂર્યને જે પ્રસન્ન કરે છે તેના તેજમાં અનેક ગણો વધારો થાય છે અને તેઓ નિરોગી રહે છે. આજના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે, પરંતુ ઘરમાં સ્નાન કરીને પણ તમે ગંગાજીનું સ્મરણ કરી ભગવાન સૂર્યદેવની આરાધના કરી શકાય છે.

ભગવાન સૂર્ય અને તેમની બહેન છઠ્ઠનું વ્રત કરનાર લોકો સુખ-સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિનું વરદાન માગે છે તો સાથે જ ભગવાન સૂર્યના પુત્ર યમરાજ પાસેથી અકાળ મૃત્યુથી બચવાની પ્રાર્થના પણ કરે છે. 

આવું કરવાથી સૂર્યદેવતાના આશીર્વાદ મળે છે.

સૂર્ય છઠ્ઠનું વ્રત આ રીતે થઈ શકે છે.

વ્રતના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને શુદ્ધતા સાથે જળ અર્પણ કરો.

ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવા સિવાય ધૂપ, દીપ, કપૂર, ફૂલ વગેરેથી તેમનું પૂજન કરવું જોઈએ. 

આ દિવસે સ્નાન કરીને સાત પ્રકારના ફળ, ચોખા, તલ, દૂર્વા, ચંદન વગેરેને જળમાં મિક્સ કરીને ભગવાન સૂર્યને જળ આપવાનું વિધાન પુરાણોમાં ઉલ્લેખિત છે. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી સૂર્ય મંત્રનો જાપ 5વાર કે 108વાર કરવો જોઈએ.

લાલ રંગનું ખાસ મહત્ત્વ

ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્ય દેવને લાલ રંગ ખાસ પ્રિય છે. એટલે લાલ ચંદન અને લાલ ફૂલ સૂર્યને અર્પણ કરીને અને લાલ કપડાનું દાન કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે. ત્યાં જ આ વ્રતમાં આથમતા સૂર્યને અર્ઘ્ય આપીને વ્રતના પારણા કરવામાં આવે છે.