મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ‘ડબલ એન્જિન’ સરકારને પરિણામે ગુજરાતમાં વિકાસ-જનકલ્યાણના કામોની સ્પીડ અને સ્કેલ બન્ને વધ્યા છે. સરકાર યોજનાઓને સેચ્યુરેશન-પરિપૂર્ણતા તરફ લઈ જઈ રહી છે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની બાબતે ગુજરાત અવનવી સિદ્ધિઓ નોંધાવી રહ્યું છે.

       મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રામાનંદી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ રામાનંદી સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

       મુખ્યમંત્રીશ્રીએ આ સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન આપતા આગળ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણને વિકાસની રાજનીતિ શીખવી છે. અલગ-અલગ પક્ષ-નેતાઓના તમે અલગ-અલગ સૂર સાંભળ્યા હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારોનો હંમેશથી એક જ સૂર-વિકાસનો સૂર રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

       મુખ્યમંત્રશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સરકારનો જનહિતકારી અભિગમ-સરકારનું સુશાસન જનતા ૨૦ વર્ષથી અનુભવી રહી છે, તો છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય બંન્ને સરકારોના વિકાસલક્ષી સંયુક્ત પ્રયાસોને પણ લોકોએ જોયા છે.

       આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગુજરાત સરકારની જે યોજનાઓ છે, તેનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચતો થયો છે. વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય વગેરે સુવિધાઓ વ્યાપક બની છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગુજરાતને તેનો યોગ્ય હિસ્સો-લાભ પણ મળતા થયા છે.

       તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી રાખવા આ વર્ષે સરકારે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે. ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં વર્તમાન સરકાર કોઈ જ પાછી પાની નહીં કરે તેમ તેમણે ઉમેર્યું હતું.

       તેમણે કહ્યું કે, પહેલા ગુજરાત અને હવે સમગ્ર દેશને સુશાસન, વિકાસ અને પ્રગતિની રાહે દોરી જનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ આપણે સૌએ સાથે મળી મજબૂત કરવાના છે.

       રામાનંદી સમાજના ગુજરાત અધ્યક્ષ શ્રી ચંદુભાઈ સાધુએ જણાવ્યું કે, રામાનંદી સમાજ સદીઓથી ભગવાન રામચંદ્રજીને પૂજતો-અનુસરતો આવે છે. આ સમાજ હંમેશાંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા સરકારની વિકાસની નીતિ-રીતિનું સમર્થન કરી તેમની પડખે ઊભો રહ્યો છે.

       આ સ્નેહમિલન કાર્યક્રમમાં રામાનંદી સમાજના અગ્રણી શ્રી આર. કે. વૈષ્ણવ, ધર્માચાર્ય શ્રી ચૈતન્યશંભુ મહારાજ, શ્રીમતિ રિટાબહેન સહિતના અગ્રણી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.