સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર લોકમેળાના બીજા દિવસે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં થાનગઢના લોક સાહિત્યકાર શ્રી કિશોરદાન ગઢવી અને સાથી કલાકાર વૃંદ દ્વારા સાહિત્ય અને ભજનની સુંદર પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જે સાંભળી વિશાળ જનમેદની રસ તરબોળ થઈ ગઈ હતી. શ્રી કિશોરદાન ગઢવીએ પાંચાળ પ્રદેશના તરણેતરમાં ત્રિનેત્રશ્વર ભગવાનના મહાત્મ્ય વિશે સાહિત્યિક રજૂઆત કરીને લોકોને આ સ્થળના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ લોકડાયરામાં રાજુભાઈ સાકરીયાએ લોકગીતોની રમઝટ બોલાવી હતી તેમજ કલાકાર સાગરભાઈ પ્રજાપતિએ ભગવાન શંકર, ભગવાન દ્વારકાધીશના ભજનો રજૂ કર્યા હતા. દેવિકાબેન મહેતાએ મા મોગલ, મા શક્તિની આરાધના કરતા ગીતો રજૂ કર્યા હતા. આ લોકડાયરામાં ઉસ્માન સંગીતની ટીમ દ્વારા સંગીતની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ભવાઈ, ડાયરા, કથા-કિર્તન સહિતના પરંપરાગત સમૂહ માધ્યમના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ જન જાગૃત્તિની બાબતો, યોજનાકીય બાબતોનો ગ્રામ્ય સ્તરે અસરકારક પ્રચાર કરવા આ પ્રકારનાં કાર્યક્રમો અને સહાય આપવામાં આવે છે. તરણેતરના લોકમેળામાં પણ માહિતી વિભાગ દ્વારા પ્રતિ વર્ષ લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે. આ લોકડાયરામાં માહિતી કચેરીના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી.