ભારતના ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે હાલમાં ગુજરાતમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા (SSR) કાર્યક્રમ ચાલી રહ્યો છે.આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાલ મતદાર જાગૃતિને લગતા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. સમાજના તમામ વર્ગો કે જેઓ સમાજની મુખ્ય ધારાથી અલિપ્ત છે તેઓની પણ ચૂંટણી પ્રક્રિયામાં મહત્તમ ભાગીદારી થાય તથા મતદાન માટે લાયકાત ધરાવતો કોઇપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. આ હેતુસર મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ પ્રવૃત્તિઓના ભાગરૂપે CEO કચેરી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં વિવિધ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તે પૈકી ખાસ કરીને દિવ્યાંગો, વિચરતી અને વિમુક્ત જાતિ, ટ્રાન્સજેન્ડર સમુદાયને જરૂરી આધાર પુરાવાના અભાવે મતદાર તરીકે નામ નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને આગામી સમયમાં આ વર્ગના નાગરિકો માટે ખાસ કેમ્પનું આયોજન કરીને મતદાર તરીકે નામ નોંધણી કરાવવા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

       વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંસ્થા સાથે સંકળાયેલા અને લાયકાત ધરાવતા નાગરિકોની નોંધણી પ્રક્રિયા મહત્તમ પૂર્ણ કરવામાં આવી છે.ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યભરમાં વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર વર્ગ માટે ઓળખ માટેનું સક્ષમ સત્તાધીશનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીને નિવારવા વિવિધ શહેરમાં ખાસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે તે જરૂરી છે.આ સૂચનને સ્વીકારીને આગામી ૮મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે ટ્રાન્સજેન્ડરો માટે પ્રમાણપત્ર કાઢી આપવાની સાથે મતદારયાદીમાં તેઓના સમાવેશ માટે ઘટતી કાર્યવાહી હાથ ધરવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવનાર હોવાનું મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હાલમાં શાળા-કોલેજોમાં ચાલી રહેલા યુવા મહોત્સવ અંતર્ગત ૧૮ વર્ષ પૂરા કર્યા હોય તેવા યુવાઓની મતદાર તરીકે નોંધણી કરાવવાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા ઉલ્લેખનીય રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં યુવા મહોત્સવ હેઠળ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાઓની મતદાર તરીકે મહત્તમ નોંધણી કરવામાં આવી છે.

         રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા રાજ્યભરમાં આવેલી ૨૮૮ જેટલી તાલુકા કક્ષાની આઇ.ટી.આઇ. દ્વારા મતદાર તરીકે નોંધણી કરાવવા લાયકાત ધરાવતા યુવાનો પૈકી મહત્તમ યુવાનોની નોંધણી કરાવી દેવામાં આવી હોવાનું ઉપસ્થિત પ્રતિનિધી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

         દિવ્યાંગોના ઉત્કર્ષ સાથે સંકળાયેલી અપંગ માનવ મંડળ અને અંધજન મંડળ સંસ્થાના પ્રતિનિધીઓ દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ યુવાઓ કે જે ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેમના નામ મતદાર તરીકે નોંધાવવા માટે ચૂંટણી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.

         વિવિધ સરકારી વિભાગો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેઓની રોજીંદી કામગીરી ઉપરાંત મતદાર જાગૃતિની વધારાની હાથ ધરવામાં આવતી કામગીરીની તથા ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વર્ગની સમસ્યાઓને વાચા આપી તેના નિરાકરણ માટે કાર્યરત પ્રતિનિધિઓની ઉમદા પહેલને અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ બિરદાવી હતી.

        આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી એમ.નાગરાજન તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી લલિત નારાયણ સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

        બેઠકમાં શિક્ષણ, રોજગાર અને તાલીમ,સમાજ સુરક્ષા ખાતાના પ્રતિનિધી, અંધજન મંડળ, અપંગ માનવ મંડળ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, મહિલા સામખ્ય સોસાયટી, લક્ષ્ય ટ્રસ્ટ-વડોદરા, વિચરતા સમુદાય સમર્થન મંચના પ્રતિનિધી ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી