એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપની બીજી મેચ હોંગકોંગ સામે રમી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 40 રને જીતી લીધી હતી. હોંગકોંગના કેપ્ટન નિઝાકત ખાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગનું આમંત્રણ મળતાં ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી અને 2 વિકેટના નુકસાન પર 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં હોંગકોંગની ટીમ 5 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 68 રનની ઈનિંગ રમી હતી.
રોહિત શર્મા અને કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર તરીકે રમવા આવ્યા હતા. કેએલ રાહુલે 39 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 સિક્સ જોવા મળી હતી. બીજા ઓપનર કેપ્ટન રોહિત શર્માએ 13 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી બે ચોગ્ગા અને એક છગ્ગો જોવા મળ્યો હતો.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીના બેટમાંથી એક ફોર અને ત્રણ સિક્સ જોવા મળી હતી. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવના બેટથી 6 ચોગ્ગા અને 6 છગ્ગા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાના બોલરોની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે બોલિંગની શરૂઆત કરી હતી. ભુવનેશ્વર કુમારે 3 ઓવર નાંખી અને 15 રન આપીને એક વિકેટ લીધી. અર્શદીપ સિંહે 4 ઓવર નાંખી અને 44 રન આપીને 1 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવર નાંખી અને 15 રન આપીને એક વિકેટ લીધી. અવેશ ખાને સૌથી વધુ 4 ઓવર નાંખી અને 53 રન આપીને એક વિકેટ લીધી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવર નાંખી અને 18 રન ખર્ચ્યા. વિરાટ કોહલીએ એક ઓવર ફેંકતા 6 રન ખર્ચ્યા.