સોશ્યલ મીડિયામાં નામ કાઢવા માટે લોકો અને તેમાં પણ ખાસ કરીને યુવાનો જીવની પરવા કર્યા વગર જોખમી સ્ટન્ટ કરતા હોવાને કારણે તેમની સાથે જ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મુકાઈ રહી છે. બીજી બાજુ આ પ્રકારના વીડિયો જોતજોતામાં સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગતો હોય પોલીસ પણ આ વીડિયોના આધારે તાત્કાલિક આરોપીઓને પકડી લઈ કાયદાનું ભાન કરાવી રહી છે.

દરમિયાન બે દિવસ પહેલાં ટ્રાફિકથી ધમધમતાં એવા રેસકોર્સ રિંગરોડ પર ચાલું બાઈકે જોખમી સ્ટન્ટ કરતાં 19 વર્ષના બે યુવકોને એ-ડિવિઝન પોલીસે પકડી લઈ કાયદાનું ભાન કરાવતાં આ બન્નેએ માફી માંગી આવી હરકત બીજી વખત ક્યારેય નહીં કરવાની કબૂલાત આપી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રોહન સચિનભાઈ પરમાર (ઉ.વ.19, રહે.કુબલીયાપરા) અને જયદીપ મુકેશભાઈ વશનાણી (ઉ.વ.19, રહે.દૂધસાગર રોડ)ને એ-ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. રોહન અને જયદીપ બે દિવસ પહેલાં રેસકોર્સ રિંગરોડ ઉપરથી જિંદગી જોખમાય તે રીતે પોતાનું બાઈક ચલાવી નીકળ્યા હતા.