સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અંદાજે રૂ. 625 કરોડનો બિઝનેસ થવાની ધારણા છે. આમાં કેટરર્સ, થીમ-આધારિત પંડાલ/મંડપના ડેકોરેટર, ગણેશ મૂર્તિઓનું વેચાણ જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે.

સુરતના વેપારીઓના મતે મુંબઈ અને પુણે પછી સૌથી વધુ ગણેશ મૂર્તિઓનું વેચાણ કરતું સુરત ત્રીજું શહેર છે. બાપ્પાની ઉજવણીના ભાગરૂપે સુરતમાં 60,000 જેટલા નાના-મોટા પંડાલ બનાવવામાં આવશે.

એક અંદાજ મુજબ, એક પંડાલ 10-દિવસના ઉત્સવો માટે આશરે રૂ. 2.46 લાખનો ખર્ચ કરશે, જેમાં આશરે રૂ. 15,000ની ગણેશ મૂર્તિનો સમાવેશ થાય છે; મૂર્તિના પરિવહન માટે ટેમ્પો અથવા ટ્રક – ખરીદી અને વિસર્જન સમયે બે ટ્રીપ માટે રૂ. 30,000; ડીજે અને મ્યુઝિક બેન્ડ – રૂ. 25,000 અને લાઇટિંગ સરઘસ – રૂ. 30,000.

તેવી જ રીતે, પંડાલ માટે યુનિફોર્મની કિંમત રૂ. 10,000 છે; ફૂલો – રૂ 10,000 (દસ દિવસ માટે); પ્રસાદ – રૂ. 15,000 (દસ દિવસ માટે); પૂજા – રૂ 10,000; પંડાલ – રૂ 40,000; મંડપમાં લાઇટિંગ – રૂ. 25,000; 10 દિવસ માટે લાઇટ બિલ – 10,000 રૂપિયા, બેનર – 3,000 રૂપિયા; વિસર્જન સમયે ખર્ચ – રૂ. 10,000; અને નાસ્તા તેમજ રાત્રિભોજન માટે – રૂ. 10,000.

કોવિડ રોગચાળો ઘટવાની અસર સાથે, સ્થાનિક સત્તાવાળાઓએ આ વર્ષે ઉજવણી માટેના નિયંત્રણો હટાવ્યા છે. તદુપરાંત, તેઓએ નવ ફૂટની ઊંચાઈ સુધીની મૂર્તિઓ સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ તમામ પરિબળો સુરતીઓને ગણેશોત્સવ માટેનો ઉત્સાહ પુનઃજીવિત કરવામાં મદદ કરી શકે છે.

સુરત શહેર ગણેશોત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં શહેરમાં ગણેશ પંડાલ બનાવતા જૂથોની સંખ્યામાં ઘટાડો થયો છે.”

તેમણે ઉમેર્યું, “જો કે, આ વર્ષે ગૌરી ગણેશ સ્થાપિત કરતી મોટી સંસ્થાઓ, મધ્યમ સંસ્થાઓ અને ઘરોની સંખ્યાને ધ્યાનમાં લેતા, એવું માની શકાય કે શહેરમાં કુલ મળીને 60,000 જેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.”

તેવી જ રીતે, એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વધુ 30,000 મૂર્તિઓનું સ્થાપન થશે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સિલ્વાસા, દમણ જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એક બિઝનેસમેને અનુમાન લગાવ્યું હતું કે, “આવા પંડાલો માટે સરેરાશ 25,000 રૂપિયાના ખર્ચને ધ્યાનમાં લઈએ તો, વધુ 60 કરોડથી 75 કરોડ રૂપિયાના વ્યવહારો થશે.”