પંજાબના હોશિયારપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જિલ્લાના દસુહા વિસ્તાર પાસે એક ખાનગી સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. આ બસમાં 40 જેટલા બાળકો સવાર હતા. મળતી માહિતી મુજબ, સ્કૂલ બસને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 1 બાળકના મોતના સમાચાર પણ છે, જ્યારે બસના સુપરવાઈઝર સહિત 11 બાળકો ઘાયલ થયા છે. ઘાયલોની જાલંધરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, આ માર્ગ અકસ્માત સવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. સ્કૂલ બસ બાળકોને લઈને ટાંડાથી જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર બાળકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ બાળકોના માતા-પિતા આઘાતમાં છે. બસ ચાલક ફરાર હોવાનું કહેવાય છે.