ઘર આગળ પાણી ભરાતા રોગચાળાની દહેશત 

          ઇડર તાલુકાના દેશોતર ગામમાં રહેણાંક વિસ્તારમાં ગામમાંથી આવતા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ઘર આગળ ભરાતા રહીશો હાલાકી ભોગવી રહ્યા છે અને રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. 

 દેશોતર ગામમાં વણકર હર્ષદભાઇ ધુળાભાઇ અને મોહનભાઇ વિરાભાઇ વણકરના ઘરની આજુબાજુમાં ગામમાંથી આવતુ વરસાદી પાણી ભરાવાને કારણે તળાવ ભરાયુ હોય તેવુ દ્રશ્ય સર્જાયુ છે. રહીશોના જણાવ્યાનુસાર ગામમાંથી આવતા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી આ વિસ્તારમાં પાણી ભરાયુ છે અને વરસાદી પાણી ભરાવાથી મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. આ અંગે પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પંચાયત દ્વારા સ્થળ તપાસ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. અગામી સમયમાં આ પાણીનો યોગ્ય નિકાલ નહી કરવામાં આવે તો રહીશોના મકાનોને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે જેથી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રહીશોની લાગણી પ્રર્વતી રહી છે.