રાજ્યમાં મોટાપાયે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપના નેતાનો પુત્ર પણ ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયો છે તેણે અમદાવાદથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ખુલાસો થયો છે.

આણંદ એસઓજીને મળેલી બાતમીના આધારે રાજકોટના તાલુકા ભાજપ મંત્રી રૈયાણીના પુત્ર સહિત ચાર શખસોને રૂપિયા 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે.
પેટલાદ શહેર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે,
પોલીસ દ્વારા ચારેય શખસોને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

સોજિત્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા મલાતજથી ડભોઉ જવાના રોડ પરથી ફોર વ્હીલરમાંથી પોલીસે 1.96 લાખની કિંમતના 19.680 ગ્રામ જેટલાં ડ્રગ્સ સાથે તુષાર ઉર્ફે ભૂરો જીવરાજ સાંગાણી, રોહન શૈલેષ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણા અને રોહન સુરેશ રૈયાણી (તમામ રહે. રાજકોટ)ને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ મામલે તપાસ અધિકારી પીઆઈ એ. જે. ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ બંધાણી છે, પરંતુ ક્યારેક ક્યારેક જ લેતા હોવાનું કબૂલે છે.
તેઓએ અમદાવાદ માંથી કોઈ ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે અમદાવાદ સુધી તપાસ લંબાવી છે.

અત્રે નોંધનીય છે કે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન. પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, સોજિત્રાના મલાતજથી ડભોઉ જવાના રસ્તેથી પસાર થઈ રહેલી ગાડી નં.જીજે 03 એલબી 0034માં ચારેક જેટલા શખસ એમડીએમએ, મેથા એમફેટામાઇન, એમ્ફેટામાઇન ડેરીવેટીવ્સ ડ્રગ્સ લઇને આવવાના છે.આ બાતમી આધારે એસઓજીએ મલાતજથી ડભોઉ જવાના રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગાડી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગાડીને કોર્ડન કરી રોકી હતી. આ ગાડીની તલાસી લેતા તેમાં ચાર શખસ પાસેથી અલગ અલગ પ્રમાણમાં MDMA પાર્ટી ડ્રગ્સ 19.680 ગ્રામ જેટલું મળી આવ્યું છે. જેની કિંમત રૂ.1,96,800 જેટલી થવા જાય છે.