રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાજ હવે જુદા જુદા સમાજ્ના સંગઠનનો પણ પોતાના સમાજના આગેવાનને ટિકિટ મળે તે માટે કાર્યક્રમો અને શક્તિ પ્રદર્શન શરૂ થયા છે ભાવનગર માં આગામી 30 અને 31 જુલાઈના રોજ અખિલ ભારતીય યુવા કોળી સમાજની પ્રદેશ કારોબારી બેઠક મળી રહી છે.
આ બેઠકમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ વધુ મળે તે માટે તમામ રાજકીય પક્ષો સમક્ષ માગણી મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે અખિલ ભારતીય યુવા કોળી સમાજની તાજેતરમાં પ્રદેશ કારોબારીની રચના કરવામાં આવી છે. આ નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ કારોબારી બેઠક આગામી 30 જુલાઈના રોજ ભાવનગર ખાતે મળશે.
જેમાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ, પ્રદેશ યુવા અધ્યક્ષ, યુવા હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
કોળી સમાજના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા તેમજ સામાજીક શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તેના માટે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ વધે અને સમાજના શિક્ષિત અને યુવા નેતાઓને વધુ તક મળે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે 31 જુલાઈ ને રવિવારે બપોરે 2:30 કલાકે અખિલ ભારતીય કોળી સમાજનો ખુલ્લુ અધિવેશન ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા ખાતે યોજાનાર છે.
આમ,હવે ચૂંટણી અગાઉ તમામ સમાજ સંગઠીત થઈ રહયા છે અને બધાજ સમાજ પોતાની જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ મળે તેવું ઈચ્છે છે અને રાજકારણમાં પોતાના સમાજનો નેતા હોય તેવું ઈચ્છે છે પરિણામે હવે રાજકીય પાર્ટીઓ પણ જ્ઞાતિના આધારે ટીકીટ આપે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.