ભાવનગરના બોટાદ અને ધંધુકામાં ઝેરી કેમિકલ ઢોળવાની ઘટનામાં 100થી વધુ લોકોને અસર થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 19 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે સારવાર દરમિયાન સાજા થયેલા 15 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદના અનેક ગામોમાં ઝેરી કેમિકલની અસરથી લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં પણ 100 થી વધુ દર્દીઓ દાખલ થયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને તબીબોની ટીમ દ્વારા જરૂરી તમામ ચીજવસ્તુઓ મેળવીને તેઓને ખૂબ સારું કહી શકાય તે રીતે સારવાર આપવામાં આવી હતી. પરંતુ હજુ પણ સારવાર દરમિયાન કુલ 19 લોકોના મોત થયા છે.
મોટાભાગના લોકોને ડાયાલિસિસ પર લઈ જઈ સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં ભાવનગરની સિનિયર સર ટી. હોસ્પિટલના આરોગ્ય વિભાગે પ્રશંસનીય કામગીરી કરી વહેલી તકે ડાયાલિસિસ સહિતની જરૂરી સારવાર હાથ ધરી હતી અને મૃત્યુદરમાં શક્ય તેટલો ઘટાડો થાય તે દિશામાં કરેલી કામગીરી બાદ 15 દર્દીઓને રજા આપવામાં આવી હતી. સારવાર બાદ બહાર આવતા દર્દીઓના ચહેરા પર એક પ્રકારની નવજીવનની ખુશી જોવા મળી હતી. આ સાથે દર્દીઓના મોઢેથી એવું પણ સાંભળવા મળતું હતું કે તેઓ ફરી ક્યારેય દારૂને અડશે નહીં. આ સાથે બગોદ્રાના સામાજીક કાર્યકર કાળુભાઈ ડાબીએ સરકાર અને હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રની કામગીરીની સરાહના કરી લોકોને આવા નશાના દુષણથી દૂર રહેવા અપીલ કરી હતી.