ગુજરાત સરકારના ૨૩ વિભાગો નવા જિલ્લા પંચાયત ભવનમાં કાર્યરત થશે
આગામી તા.૩૧મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કુલ રૂા. ૯૧૧૪.૧૮ લાખના ૭૩ કામોનું ખાતમુર્હૂત અને ૭ કામોનુ લોકાર્પણ કરશે. જેમાં રૂ. ર૬.૯૫ કરોડની મંજૂરીથી નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનને આપવામાં આવેલ છે.
ખેડા જિલ્લામાં જૂની જિલ્લા પંચાયત કચેરી અશોકનગર સામે, પવનચક્કી રોડ, નડિયાદ ખાતે આવેલી છે. આ કચેરીની સ્થાપના તા. ૧૪/ ૧૦/ ૧૯૭૬ના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી બાબુભાઇ જશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવી હતી. આ કચેરીમાં પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પી.બી.મહેતા (IAS) એ પ્રથમ ફરજ ભજવી હતી. હાલ આ કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે મેહુલ દવે કાર્યરત છે.
આગામી ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ખેડા જિલ્લા પંચાયત ભવન, ડભાણ રોડ,કલેકટર કચેરી પાસે જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થનાર છે. જિલ્લા પંચાયત અને તેના હસ્તકના ૨૩ વિભાગો પણ ડભાણ રોડ પર બનેલ નવીન મકાનમાં કાર્યરત થશે. નવીન જિલ્લા પંચાયત ભવન અનેક સુવિધાથી સજ્જ છે. જેમાં પટેલ હોલ, રેકોર્ડ રૂમ, વીડીઓ કોન્ફરંસ રૂમ, સર્વરરૂમ, ફાયર સેફટી, દરેક માળ પર પીવાના પાણીની સુવિધા, દરેક માળ પર શોચાલય, વાહનોની સુવ્યવસ્થિત પાર્કીંગ માટે બ્લોક પાર્કિંગની સુવિધા, ઓફિસમાં નવીન ફર્નીચરની સુવિધા, ભવનમાં હાઈ-સ્પીડ જીસ્વાન ઈન્ટરનેટની સુવિધા,તેમજ જિલ્લા પંચાયત ભવન લિફ્ટની સુવિધાથી સજ્જ છે. નવીન જિલ્લા પંચાયત ભવનને ત્રણ માળના (G+૩) બનાવવામાં આવેલ છે.