તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર દેશમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. પરંતુ હવે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે સરકારે ચીનની મોબાઈલ કંપનીઓને ભારતમાંથી નિકાસ વધારવા માટે કહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસે આ કંપનીઓના 12,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે દેશના ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમમાં ભારતીય કંપનીઓની પણ ભૂમિકા છે. પરંતુ આનો અર્થ એ નથી કે વિદેશી બ્રાન્ડ્સને બાકાત રાખો. તેમણે કહ્યું, ‘ફક્ત એક જ મુદ્દો છે, જે અમે ઉઠાવ્યો છે. તેને કેટલીક ચીની બ્રાન્ડ્સ સાથે ખૂબ જ પારદર્શક રીતે મૂકવામાં આવ્યું છે. અમે કહ્યું છે કે અમારી અપેક્ષા છે કે તેઓ વધુને વધુ નિકાસ કરે.

ચંદ્રશેખરે કહ્યું કે, સપ્લાય ચેઇન, ખાસ કરીને ઘટકોની સપ્લાય ચેઇન વધુ પારદર્શક અને ખુલ્લી હોવી જોઈએ. અમારી પાસે બજારના ચોક્કસ સેગમેન્ટ (રૂ. 12,000થી નીચે)માંથી ચીની કંપનીઓને હાંકી કાઢવાનો કોઈ પ્રસ્તાવ નથી. મને ખબર નથી કે આ બાબત કે વિષય ક્યાંથી આવ્યો. તેમણે ચીનની કંપનીઓને રૂ. 12,000થી ઓછી કિંમતના મોબાઈલ ફોન વેચવાથી રોકવાની સરકારની કથિત યોજના અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આ વાત કહી.

ઉદ્યોગ સંસ્થા ICEA સાથે મળીને ICRIER દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને બહાર પાડતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વર્ષ 2025-26 સુધીમાં $300 બિલિયનના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાથે $120 બિલિયનની નિકાસ સુધી પહોંચવા માંગે છે.