અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. વિશ્વના અમીરોની યાદીમાં હવે માત્ર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ જ તેમનાથી આગળ છે. આ સિદ્ધિ મેળવનાર અદાણી એશિયાના પ્રથમ વ્યક્તિ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ 60.9 બિલિયન ડોલર વધી છે. ફેબ્રુઆરીમાં તે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એપ્રિલમાં તેમની નેટવર્થ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી અને ગયા મહિને તેઓ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા. અમીરોની યાદીમાં મુકેશ અંબાણી અને ચીનના જેક મા ક્યારેય આટલે સુધી પહોંચી શક્યા નથી. મુકેશ અંબાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ અદાણી તેમના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છે.
અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70 બિલિયન ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે.
અદાણી ગ્રુપના કેટલાક શેર 2020 પછી 1000 ટકા સુધી વધ્યા છે. જેના કારણે અદાણીની નેટવર્થ રોકેટની ઝડપે વધી હતી. સોમવારે તેમની નેટવર્થ 1.12 બિલિયન ડોલર વધીને 137 બિલિયન ડોલર ઉપર પહોંચી ગઈ. બીજી તરફ, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 1.37 બિલિયન ડોલર ઘટીને 136 બિલિયન ડોલર થઈ છે. મુકેશ અંબાણી 91.9 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 11મા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં માત્ર 1.96 બિલિયન ડોલરનો વધારો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં મસ્ક 251 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ અને બેઝોસ 152 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.